પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


લુખી ઉદ્ ભિદ્વિદ્યા, સુકી વળી ઔષધી બધી,
જહીં સુધી તેની કૃતિ જનસ્વભાવે નવ મળી;
'અહીં આ ઊગે ને તરુ વલી તહીં આ ન ઊગતું.'
કવિતા વિના એ મુજ દિલ ગણે શુષ્ક સઘળું.

અરે ! એ સૃષ્ટિને કવિનયનથી જો ઘડીક તું.
જનોના આત્માનો કુદરતથી સંબન્ધ કર તું,
મજા તેની તો લે, હ્રદય કર વિસ્તીર્ણ કુમળું;
અને એ ઊર્મિમાં દ્રવી પડ ઝુકાવી જિગર તું.

પડી છાનો ર્' હેજે ખળખળ વહન્તુ ઝરણ જ્યાં,
અને પંખીડાં જ્યાં જલ તણી ભરી ચંચુ ઉડતાં;
મહેકન્તાં પુષ્પો લથડી પડતાં જ્યાં કલી પરે,
અતિ તૃપ્તિથી જ્યાં મધુપ સુરભે મૂર્છિત બને.

અહીં ત્યાં ઝુંડોમાં કિરણ રવિનું કો ચળકતું,
તહીં દૂરે કાળું ખડક શિર માથે ઝઝુમતું;
ગુફા પેલીમાં ત્યાં મૃગપતિ પડ્યો શાંત ગરજે,
અને શાન્તિનું તો દિગવિજયી છે રાજ્ય સઘળે.

મિચાશે કૈં નેત્રો ઝરણ વહતું એ નિરખતાં,
ચમત્કારી કાંઈ જીવન વહશે એ હ્રદયમાં;
પછી સ્વપ્નામાં તું અનુભવીશ કો જાગ્રતિ નવી,
અને ત્યારે જોજે જનહૃદય ને સૃષ્ટિ સઘળી.

ઝરામાં તું જોશે ઝરણ જનના સંચિત તણું,
અહો! કેવું વ્હેતું અમર ગતિથી એક સરખું !
પડ્યું જો સુકું જો ઝરણ પર એ પર્ણ ઉડતું,
તરંગોમાં આવી સરલ વહને ભંગ કરતું.

પડે આવાં પત્રો વળી કણ પડે દ્રાક્ષ રસનો,
કટુ કે મીઠો એ સમય ગણજે તું જીવિતનો;
જનોની વૃત્તિની કુસુમ વળી છે શું ન મૃદુતા ?
અને મૂર્ચ્છાયેલા મધુકર ન શું પ્રેમ મયતા ?

નકી મેળો મીઠો સુહ્રદજનનો પક્ષી મધુરાં-
અને વીરો શૂરા મ્રગપતિ તણું ગર્જન મહા;

કલાપીનો કેકારવ/૨૫૭