પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભળીશ નહિ જનોથી, મિત્ર, સ્ત્રી, બાલકોથી,
જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.

પોષી ના શકે હૈયું, કિન્તુ, રે! માત્ર પુસ્તકો;
અને, આ વિશ્વમાં બીજે, ક્યાં એ સ્વાદ નથી રહ્યો.

૧૭-૯-૧૮૯૬

વૈરાગ્ય

દરદ પર કરે છે ઔષધી કાંઈ કાર,
જરૂર જરૂર એ તો પૂર્વનું ઓળખાણ;
પ્રણયી જિગર અર્પે ત્યાં ય કૈં વ્હાલ ઊંડું,
હ્રદય સતત ઘૂમે એમ ખેંચાણ જૂનું.

અમુક અમુક તત્ત્વો વિશ્વમાં સૌ જનોમાં,
પ્રતિ જન હ્રદયે કો એક ધારા વહે છે;
પૃથિવી પર વસે તે એક છે માનવી આ,
અવયવ જન સર્વે માત્ર તેના જ ભાસે.

મુજ રસ પણ ચાલ્યો એ જ ધારા મહીં, હા!
મધુર મધુર લાગ્યું ઐક્ય એ માનવીમાં;
અગણિત લઈ બિન્દુ ધોધ તે ચાલતો'તો,
મળી ભળી ગળી હુંએ બિન્દુ તેનું બન્યો'તો.

પણ રસ વહી જાતાં ક્ષારને સ્પર્શતાં, ત્યાં
અતિ કટુ સહુ થાતાં કૈં જ વેળા ન લાગી;
ક્યમ ગતિ પલટી આ? કૈં જ હું જાણતો ના!
ભ્રમિત ઉર થયું હા! વેદના તીવ્ર જાગી!

દરદ પર કરે ના ઔષધી કાંઈ કાર,
નથી નથી કંઈ મ્હારે પૂર્વનું ઓળખાણ;
હ્રદય મુજ થયાં તે સ્વપ્નમાં સૌ થયાં'તાં!
વિખરી સહુ ગયાં એ સ્વપ્ન ઉડી જતામાં!

નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં,
હ્રદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે!
જગત સહ મળે છે ચર્મ ને હાડકાં આ!
રહી જગ તણી ગ્રન્થિ માત્ર આ સ્થૂલ સાથે.

કલાપીનો કેકારવ/૨૫૯