પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રથમ નઝર લાગી, ભવ્યતા કંઈ જાગી,
મુજ નયન મહીંથી સ્નેહની સેર ચાલી;
વિપુલ વિશદ લાગી સ્નિગ્ધ વાત્સલ્યવાળી
કુદરત વહતી આ ઐક્યનો તાર ઝાલી.

ફુદડી ઉડતી ત્યાં એ હર્ષની છોળ ઊડી,
રમતમય વિહંગ કાંઈ લાવણ્ય લાગ્યું;
તરુ પર ઢળનારી પુષ્પિતા એ લતાની,
નસ નસ મહીં માન્યું પ્રેમાઔદાર્યલ્હાણું.

નહિ નહિ પણ એવી વિશ્વની આર્દ્ર વૃત્તિ,
ઘડમથલ અહીં સૌ જીવનાર્થે મચેલી;
પ્રણય, રતિ, દયા કે સ્નેહ ને ભ્રાતૃભાવ,
અરર! નહિ સહુ એ સ્વાર્થના શું વિભાગ?

જનહ્રદય પરેથી મોહ ઊઠી ગયો'તો,
અરર! કુદરતેથી એ જ ખારાશ આવી;
પલપલ નયનોથી આંસુડાં સારતો'તો,
અરર! જિગરમાંથી રક્તની નીક ચાલી.

કદિ કદિ દિલ રોતું કોઈને જોઈ રોતું;
કદિ કદિ દિલ મ્હારૂં છેક પાષાણ થાતું;
નિરખી નિરખી આવું, વિશ્વ રોઉં કદી હું,
નિરખી જગ કદી આ હાસ્યમાં ડૂબતો હું.

પવન સુસવી વ્હેતો કોઈ ખંડેર માંહીં,
હ્રદય ત્યમ હસે છે - હર્ષ તો કૈં જ છે ના.
હિમજલ ટપકે છે વૃક્ષની ડાળીઓથી,
રુદન ત્યમ કરૂં છું - દર્દ તો કૈં જ છે ના.

કદિ મન ગમતું એ - કોણ જાણે હસું કાં?
કદિ મન ગમતું એ - કોણ જાણે રડું કાં?
મુજ હ્રદય મહીં છે દૂર કો મર્મસ્થાન,
સુખદુઃખ વિણ તે તો છેક વૈરાગ્યવાન.

હાસ્ય છે માત્ર ઘેલાઈ, રોવું તે નબળાઈ છે;
વિશ્વની મિષ્ટતા કિન્તુ, રે રે! ત્યાં જ સમાઈ છે.

૨૪-૯-૧૮૯૬

કલાપીનો કેકારવ/૨૬૦