પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્હારી બેહયાઈ

ઝુલ્મ છે કે બેવકૂફી બેહયાઈ ત્હારી આ?
નાદાની કે ખુદાઈ છે દિલબરી હમારી આ?

તું ગુલ પર હું તો હતો હજાર વાર આફરીન,
તું ચાહતી - હું ચાહતો, ત્યાં ખેલ શું નવો જ આ?

બાલ બાલ વિસ્લફોર ઉડતી ગુલેબદન,
ત્યાં કોણ શીખાવા ગયું - ઝુલ્મખાર ધારવા?

તું પિછાનતી હતી આ ખૂનનું ટીપું ટીપું,
ત્યાં ટીપે ટીપે તે ઝેર કાં ભર્યું ભલા?

શું ઈશ્ક ઝુલ્મ આખરે! તો બેવકૂફ ઈશ્ક છે,
એ ઈશ્ક હુસ્ન કે તણું તે બેકદર નૂરે ખુદા.

હું બેવકૂફથી ભળ્યો, ઝાલિમ દિલે ચોંટી રહ્યો,
નાદાની એ ! નાદાની એ ! ખુદાઈની જુદી હવા!

આ ખૂન છે પાણી બન્યું, ઢોળાઈને ચાલ્યું જતું;
એ ક્યાંય ના ઠેરે, ઠેરે, છે ઠારનારૂં કોણ ક્યાં?

કો દી હતું તુંમાં ઠર્યું, નાદાન એ ત્યારે થયું;
ત્હેં બાળતાં એ છે બળ્યું! જાગી ખુદાઈ છે મજા!

ઝુકાવતું જે શિર તને છાતીથી છાતી ચાંપતાં,
તે ખૂન ત્યારે તો હતું નાદાનનું નાદાન, હા!

કૈં ઝુલ્મ આતશ લાગતાં, કૈં ઇશ્કને પિછાનતાં,
આજે વહે છે આપથી તે તો ખુદાઈ ખૂન આ.

નાદાનીમાં ત્હારું થયું, ખુદાઈમાં તુંથી જળ્યું;
તું ચાહતી નાદાનીને, દે દાહ તે ખુદાઈ આ.

હું ચાહતાં રાજી હતો, હું દાઝતાં રાજી વધુ;
મ્હારી મજા મ્હારી સદા! રે! બેવફા તેને જફા.

૮-૧૦-૧૮૯૬

એક ફેરફાર

અહાહા! ઈશ્કજુગારે ચડ્યો'તો દાવ શો ત્યારે?

પડ્યો પાસો હવે ઊંધો! ફકીરી આ રહી મ્હારે!
કલાપીનો કેકારવ/૨૬૧