પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અહો! ત્‍હારાં અશ્રુ કણ નકી દિસે અમૃત તણા!
પ્રિયે તે સિંચાતાં રણ મહીં ઉગે છે તરુ નવાં!

ઉડી જો! ઉડી જો! મમહૃદય પાસે પ્રિય હવે,
અને એ ચ્હેરાની ઉપર કર તું ફેરવ, પ્રિયે!
કહે 'પ્રીતિ કો દી અહિત પ્રણયીનું નહિ કરે,'
અને ત્યારે ઊઠી ફરી મુજ દિલે એ લપટશે!

ન મ્હારા હસ્તે એ નયન મૃદુ કો દી ઉઘડશે!
અમી એ મીઠું તો નકી નકી રહ્યું છે તુજ કને!
કરો મ્હારાથી એ મરણવશ થાતાં અટકતી,
અને એ જીવે છે મરણવશ શી મૂર્ચ્છિત રહી!

સ્ફુરે ઓષ્ઠો તેના હૃદય કુમળું શાન્ત ધડકે,
ગુલાબી ગાલોએ મધુર હજુ કેવી ઝલક છે!
ધીમે પંપાળું છું સુરૂપ મુખડું હું કર વતી,
પિરોજી તે થાતું મુજ કર જરી દૂર ખસતાં!

પ્રિયે! બીજો મ્હારો કર તુજ કને આ ઝઝુમતો,
ગ્રહી તેને આવી મુજ હૃદયથી તું લપટજે;
નથી કાંટા ઉગ્યા પણ મૃદુ થયું છે મૃદુ વધુ,
પ્રિયે! ત્‍હારે માટે હૃદય મુજ ભીનું તલફતું.

રડી કાં તું પૂછે? “પ્રિયતમ! મને ચાહીશ ભલા?”
નહીં ત્‍હારૂં એવું મુજ જિગરમાં કાંઈ જ નહીં;
તને શું ના અર્પ્યું? હજુ પણ પૂછે શું પ્રણયનું?
હું ત્‍હારો તેની તો શશી, રવિ, ગ્રહો સાક્ષી ભરશે.

અસત્યો એ બોલ્યો કદિ કદિ તને હું રીઝવવા,
હવે મીઠાં સત્યો શીખવીશ તને હું જિરવવા;
નીતિ કે રીતિનું મુજ દિલ પરે ના બલ રહ્યું,
પ્રીતિ! પ્રીતિ! પ્રીતિ! અનલભડકે એ જળી જવું!

ઉડી જો! ઉડી જો! મમ હૃદય સાથે, પ્રિય! હવે!
નવો ઝીણો તાજો અનિલ ફરકે છે કુદરતે!
ત્યજી દેને વ્હાલી! અધમ પડ વંટોળ સરખાં,
મચી ર્‍હેવું આવી કલુષમયતામાં ઉચિત ના.

કલાપીનો કેકારવ/૨૭૦