પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જખમ કરતાં એ શું જાણે? ગરીબ મૃદુ સખી?
જખમ કરતાં વેળાની એ ન હામ ટકી શકી!
તુજ સ્વર વળી આજે કાંઈ દિલે ખુંચતો દિસે,
પણ જખમની વાતોથી તું અજાણ બહુ દિસે.

જખમ સહવો સ્‍હેલો મીઠો સદા સહનારને,
જખમ કદિ એ પીડાતાને ન ઠાર કરી શકે,
જખમ દિલને છેલ્લો દેવા ન કોઈ મને મળે,
જખમ દિલનો જોવા ધોવા ન કોઈ મને મળે.

દરદ દિલની વાતોને એ ન છે સુણનાર કો,
દરદ દિલની વાતો સાથે ન છે મળનાર કો;
અનુભવ અહીં કોઈને એ સમાન મળે નહીં,
જગત સઘળું અક્કેકાની અસાર મુસાફરી.

જગત રસમાં ક્યાં એ પૂરું ન પકવ થયું હજી,
હૃદય ગળતાં રોવામાં એ કચાશ રહી જતી;
અરર! સ્મિત ના કિન્તુ રોવું હજુ જડતું નથી,
રુદન શીખવા કૈં એ જન્મો હજુ ફરવું નકી.

પણ દરદ કૈં ધીમે ધીમે બુઝાઈ જતું હતું,
અરર! દિલ આ ધીમે ધીમે કઠોર થતું હતું;
સ્વર તુજ સુણ્યો ને આ ચાલ્યું ફરી નિજ માર્ગમાં,
તુજ સ્વરથી આ મ્હારૂં હૈયું ધ્રૂજે કંઈ તાલમાં.

તુજ સ્વરથી આ મ્હારૂં હૈયું કરે કંઈ ગોઠડી,
સ્થિર જરી થશે! ગાતું ગાતું ઉડીશ નહીં જરી;
પણ સુખી તું એ ઓચિન્તું કૈં ઉડી જ નકી જશે,
દરદ દિલની વાતોથી તું અજાણ હજુ દિસે.

સહુ સુખી ઉડે તેવું તું એ ઉડી જ જશે નકી,
મુજ જિગરની ત્‍હારે હૈયે વ્યથા ઘટતી નથી;
મુજ રુદનથી ત્‍હારા કંઠે ન શોષ કંઈ પડે,
મુજ હૃદયની વાતોથી તું અજાણ નકી દિસે.

૩૦-૧૧-૯૬

ત્યજાયેલીને

'કદી ત્‍હારે હશે રોવું, છુપું કાંઈ સુણાવવું;
હશે વા દાઝતા ત્‍હારા હૈયાને કદિ ઠારવું.

ત્‍હારૂં અહીં જગતમાં નહિ કોઈ મિત્ર!
ત્‍હારા-અરે! દુઃખ તણી ગતિ કૈં વિચિત્ર!

કલાપીનો કેકારવ/૨૭૬