પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ના ન્યાય આ જગતમાં મળવો તને છે,
એવું જ છે લિખિત તો સહવું જ ત્‍હારે.

આ બોલતાં જ મરવું મુજને ઘટે છે,
કે જંગલે જઈ તહીં પડવું ઘટે છે;
આ નેત્રને રુધિરથી રડવું ઘટે છે,
હા! આગમાં જઈ સદા જળવું ઘટે છે.

મ્હારૂં હવે જીવિત તો નબળાઈ – વ્હાલી!
મ્હારું હવે રુદન આ નબળાઈ – વ્હાલી!
એ હસ્ત ત્યાગ કરતાં જ મરી ચૂક્યો છું
ને અન્ય મૃત્યુની હવે અભિલાષ રાખું.

રે! એક ઝિન્દગી મહીં કંઈ મૃત્યુ મ્હારે,
રે! એક ઝિન્દગી મહીં બહુ જન્મ ત્‍હારે;
ટૂંકાં જ છે જીવિત ને દુઃખભાર મ્હોટા,
ને મૃત્યુ પછી કશો રસ સ્વાદ ના ના.

જોઈ હતી - પ્રિય! તને દિન ચાર પ્‍હેલાં,
પીળું હતું મુખ અને સહુ અંગ ઢીલાં;
ના નેત્ર તેં તુજ ઉપાડી મને નિહાળ્યો,
વા અશ્રુથી ય તુજ ગાલ બન્યો ન ભીનો.

તું એકલી! અરર હા! અહીં એકલી તું,
રે રે! અનન્ત દુઃખને દરિયે પડી તું;
કોઈ તને મદદમાં મછવો મળે ના,
ઓળંગવા ઉદધિ છે બલ કાંઈ ના વા.

ત્‍હારાં સુખોની કદિ વાત નહીં સુણાશે,
ત્‍હારાં દુઃખોની ઉરમાં ઉન્હી લ્હાય લ્હાશે;
હૈયાસુની! હદયની તું અપંગ બાલા!
દેખું તને બળી જતી મુજ કલ્પનામાં!

મોંઘાં સદા નયન શું તુજ બન્ધ ર્‍હેશે?
મ્હોંએ ગુલાબી ફરી શું કદિ તું ન પામે?

કલાપીનો કેકારવ/૨૭૮