પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જભ્ભો - પ્રિયે! હૃદયનો તુજ વ્હાલવાળું
બ્રહ્માંડમાં - અરર! કોઈ ન ધારનારૂં!

કદી ત્‍હારે હશે રોવું, છૂપું કાંઈ સુણાવવું;
હશે વા દાઝતા ત્‍હારા હૈયાને કદિ ઠારવું.

૨૧-૧૨-૧૮૯૬

પ્રપાત

વ્હાલી તણું હૃદય એ ઉદધિ હતું - હા!
તેની સપાટી ઉપરે તરતો રહ્યો હું;
પાતાલમાં ય તલ તે જલનું હતું ના
ને એ હતું કુદી રહ્યું તટ વિણ વારિ.

મીઠી મજા જિગરને ઉછળાવતી'તી,
હૈયાથી અમૃતઝરો છલકાવતી'તી,
હું સિન્ધુની વીચિ મહીં ગરકાવ થાતો,
ને એ ઝરો ટપકતાં જ મળી જતો ત્યાં.

એ મ્હાવરે હૃદય કાબિલ કાંઈ થાતાં,
ઊંડાણમાં ય અજમાયશ કાંઈ લેતું;
કો દી વિહરતું જઈ મધ્ય ભાગે,
આનન્દમાં નયન અર્ધ મિચાઈ જાતાં.

દીઠાં તહીં નવીન રંગીન દિવ્ય વારિ
ને બિન્દુ બિન્દુ મહીં ભવ્ય પ્રભાપ્રવાહ,
દીઠા તહીં છુપી રહેલ ગભીર ભાવો,
પ્રત્યેકમાં નવીનતા રસની વહન્તી.

'નીચે નીચે પડ પછી પડ કાપતો જા,
'ઊંડાણના ય ઉદરે ઉતરી ઉંડો જા;
જા જા તહીં રસ અનન્તની લ્હેર ચાલે,
દૈવી ઝરા ઉદધિમાં હજુ કૈંક મ્હાલે.'

એ મન્ત્ર આ હૃદયમાં જનમ્યો હતો, ને
એ મન્ત્રને હૃદય આ જપતું બન્યું'તું;

કલાપીનો કેકારવ/૨૭૯