પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉલ્લસિત ને સુખમગ્ન ના મુખમુદ્રા તુજ રાખ,
કેમ કે ભય આવે હજુ લપતો જાણે વાઘ!

તુજ નેત્ર ભ્રૂપૂર્ણાનન્દમાં ડૂબી જશે,
કે તુર્ત ગમગીની તને સાહી લ‌ઈ જશે!

તિમિર દીપ પાછળ રહ્યું, કિરણ પૂઠે રહી છાય!
તેમ સર્વ સુખ શાન્તિમાં ભય દુ:ખ સાથે જાય!

તે સૂચવે પ્રેમાન્ધને ‘તુજ સુખ ઉડી જશે.’
જ્યારે પ્રેમી બિચારો સુખરેલમાં હશે!

તો ઉલ્લસિત સુખમગ્ન ના મુખમુદ્રા તુજ રાખ,
કેમકે ભય આવે હજુ ઊડતો જાણે બાજ !

તુજ નેત્ર ભ્રૂ પૂર્ણાનન્દમાં ડૂબી જશે,
કે તુર્ત ગમગીની તને સાહી ગળી જશે!

અરે! અરે આવાં હશે વિધિનાં ક્યમ નિર્માણ?
પ્રિયતમ, મધુતમ, મંજુતમ અતિ વેગે ઊડી જાય!

સુવર્ણરંગી ભભક સુખપાંખ પર ચડે,
કે પળ એકમાં પ્હોળી કરી આકાશ્માં ઉડે!

જનનયને અશ્રુ મૂકી ધોતાં કૂળા ગાલ,
નિજ સુરંપ સંકેલી લે રૂડું અમ્બુદચાપ!

તેમ દુર્વહ દુ:ખઅંડ સેવવા મૂકી,
સુખ દૃષ્ટિ બહાર જાય ફરી મળે નહીં!

તો ઉલ્લસિત સુખમગ્ન ના મુખમુદ્રા તુંજ રાખ,
કેમ કે ભય આવે, અરે! છૂપતો જાણે સાપ!

તુજ નેત્ર ભ્રૂ પૂર્ણાનન્દમાં ડુબી જશે,
કે તુર્ત ખેદ, દુ:ખ, શોક લ‌ઈ તને જશે!
૧૪-૬-’૯૩

પ્રેમીની આશિષ

પીલુ

હર્ષશોકના રંગીન પાટા ચિત્રવિચિત્ર પડ્યા ઝિંદગીમાં:
સિન્ધુતરંગની વહે છે પરંપરા એક પછી બીજા તેમ વહે આ.

કલાપીનો કેકારવ/૭૭