પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અહો! વ્હાલી! વ્હાલી! ભર મુદિત આવો લપટશું.
ભરી પી પી પ્યાલાં સુખી સુખી બની મૂર્ચ્છિત થશું;
ભરી મસ્તી લ્હેરી હ્રદયશઢ છો ને વહી જતા,
ઝરા છો ને મીઠા અમર રસના એ છલકતા.

૧૪-૧-૧૮૯૭


સ્મૃતિ

દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ?

દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહું ?
સહશું ! રડશું ! જળશું ! મરશું !
સહુ માલિકને રુચતું કરશું !

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું !
પણ તે દિલને વિસરાવીશ ના!
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં !

૧૫-૧-૧૮૯૭


કુસુમ માટે પ્રાર્થના


કળી ક્‌હો કે કાંઈ, હૃદયરસ ક્‌હો કે સુખ કહો,
બગીચે આ મ્હારે ફુલ બસ રહ્યું એક જ હવે;
અરે ! વાયુ ભૂંડા ! અડીશ નહિ મ્હારા કુસુમને,
તને શું છે ? ભાઈ ! મુજ જિગર છો ત્યાં વિરમતું.

અદેખો તું શાને ? મુજ હૃદય ના ના બહુ સુખી,
અરે ! લીધાં મ્હારાં કુસુમ સઘળાં તેં જ ઝડપી;
રહ્યું છે આ છેલ્લું ! તુજ શરણ છે ! મ્હેર કરવી !
નથી દાવો કાંઈ ! પણ અરજ આ ઉર ધરવી !

કલાપીનો કેકારવ/૨૯૫