પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દયાળુ તું તો છે પણ ન નિરખું હું તુજ દયા,
અરે ! તેથી યાચું મૃદુ કુસુમડા ઉપર કૃપા.

૧૬-૧-૯૭

એક ચિન્તા

શયનો ફુલનાં કરમાઈ ગયાં!
અનિલો સુરભિ સહુ લેઈ ગયાં!
અહ ! કંટકની જ બિછાત રહી!
બસ કંટકની સહુ વાત રહી!

અમી-નિર્ગળતું ઝરણું અટક્યું!
વિષનો પરિવાહ વહ્યો જ પ્રભુ!
સઘળા પલટાય સહાઈ ગયા!
ભવ એક મહીં ભવ લાખ થયા!

મુજ નેત્ર તણું સહુ હીર બળ્યું!
મુજ વ્યર્થ ગયું સઘળું ગણવું!
પણ એ નયનો, મૃદુ એ નયનો,
હજુ શું રડતાં જ હશે નયનો?

૧૮-૧-૧૮૯૭

અસ્વસ્થ ગૃહિણી

શાન્ત છે, બન્ધ છે આંખો, કાંઈ દર્દ કમી દિસે;
ત્હોય છે તપ્ત ને ઢીલાં કોમલાંગો હજુ જ્વરે.

ખુલ્લા રહ્યા છે મૃદુ ઓષ્ઠ ન્હાના,
નિદ્રા મહીં છે સુકુમાર બાલા;
ન અંગ એકે જરી એ હલાવે,
ઉઠે ન ઉઠે ફરી કોણ જાણે ?

ધગેલા એ બિછાનાની પાસે કોઈ યુવાન છે;
'રખે તે જાગતી,' તેવી ભીતિ તે મુખ ઉપરે

.
કલાપીનો કેકારવ/૨૯૭