પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'કેવી રીતે મુજ બળતરા શાન્તિ પામે, અરેરે !
'કેવી રીતે તુજ હૃદયનો દાહ હોલાય, રે રે !

'પાપી મ્હારૂં હૃદય ગણતું નાથ ! પાપી તને તો !
'રે રે ! જોયું તુજ જિગરના પ્રેમમાં પાપ મેં તો !
'તું તો ત્હારે ગગનપડદે સર્વદા ખેલનારો !
'વ્હાલા ! હું તો જગત પરના સ્વાર્થનો છેક કીડો !

'ત્હોયે ઢોળ્યો, તુજ રસ સદા સ્નેહથી હું પરે રે !
'ધિક્કાર્યો મેં, નવ કદિ ગણ્યું થાય છે શું તને તે !
"અર્પું છું' એ કદિ ય સમજી અર્પનારૂં શકે ના,
'ને ઔદાર્યે મુજ હૃદયને સાચવ્યું તેં જ વ્હાલા !

'પ્રેમી બાલા ! કરવત બની પ્રેમ હું કાપનારી !
'યાચું શિક્ષા કુદરત કને ક્રૂરની ક્રૂરતાની !
'રે રે ! વ્હાલાં ! તમ હૃદય તો મૃત્યુમાં મ્હાલનારાં !
'ને એ મૃત્યુ મરતી સખીના હસ્તથી પામનારાં !'

થંડીએ કમ્પતાં ગાત્રો, શબ્દો બન્ધ થયા, અને
પિયુ એ લૂછતો અશ્રુ પમ્પાળી પ્રિયને કહે :-

'વ્હાલી ! પ્રાણ ! અરે ! અરે ! હૃદય આ ત્હારૂં જ ત્હારૂં સદા,
'તું દેવી, તુજ પ્રેમના ઝરણમાં છે જીવતો જીવ આ !
'તે એ છે તુજ આ મહાન દિલના સિન્ધુ તણી માછલી !
'વાતો કિન્તુ વીતેલ સ્વપ્ન તણી ના હાવાં ઘટે બોલવી !

'શું હું માફ કરૂં ? અરે પ્રિય સખિ ! શું માફ હું ના કરૂં ?
'આપે ઈશ મને અહો ! હૃદય આ ત્હારૂં સદા પૂજવું !
'ઓહોહો ! મતભેદની તુટી પડી આજે દિવાલો દિસે !
'તો વ્હાલી ! સુખથી ગયા સમયની વાતો કરીશું હવે !'

નયન પર છવાતાં અશ્રુનું એક બિન્દુ
અટકી ચૂપ થયો એ કંઠ રૂંધાઈ જાતાં;
દરદ કંઈ કમી એ થાય છે સુન્દરીનું,
મૃદુ નયન ફરીથી શાન્ત મીંચાઈ જાતાં.

નિદ્રા શી ગાઢ શાન્તિમાં ફરીથી ગૃહ એ પડે;
કાચના દ્વારમાંથી ત્યાં સન્ધ્યાનાં કિરણો ઢળે.

૨૧-૧-૧૮૯૭

કલાપીનો કેકારવ/૩૦૨