પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જન્મદિવસ

ત્રેવીસ વર્ષ મહીં સ્વપ્ન અનેક વીત્યાં,
વીતી અનેક દુઃખનીય પરમ્પરા ત્યાં;
શું તેટલો જ ઇતિહાસ હશે અમારો ?
શું લ્હાણ કાળની મળી બસ એટલી જ ?

યોગો બધા મુજ બહુ પણ જીર્ણ ભાસે
ને આ હવે હૃદય વૃદ્ધ થતું દિસે છે;
બે ચાર જન્મદિવસો વહી કાલ જાશે,
ને મૃત્યુની જલદ પાંખ સમીપ થાશે.

મ્હેં પ્રેમમાં તડફતાં મમ શાન્તિ ખોઈ,
આનન્દની મધુર પાંખ ન ક્યાંય જોઈ;
હૈયું કહે, 'જીવિત એમ જશે જ રોઈ',
શું લ્હાણ કાળ ધરશે બસ એટલી જ ?

ક્યાં યે ન શું અનુભવો મુજ સંકળાશે ?
શું મૃત્યુ પાછળ નહીં ગતિ કાંઈ થાશે ?
મૃત્યુ જ કાજ ઉર શું દુઃખ આ સહે છે ?
તો ઝિન્દગી ન જીવવા સરખી દિસે છે !

આજે જ ઝેર મધુરૂં કરી કાં ન પીવું ?
સાચું જ હો મરણ તો ક્યમ આમ રોવું ?
શું છે પછી અનુભવો કડવા સહીને ?
આ ઝિન્દગી ન જીવવા સરખી - અરેરે !

આ ઝિન્દગી દુઃખભરી મુજને મળી કાં ?
માગી હતી નવ અને નવ રાખવી છે !
શ્રદ્ધા રહી રસ મહીં ય કશી મ્હને ના !
અન્ધાર મૃત્યુ મધુરૂં મધુરૂં દિસે છે !

અન્ધાર મૃત્યુ મધુ તો કડવો ઉજાસ,
ને સ્વપ્ન ના જીવિત તો નકી સ્વપ્ન મૃત્યુ;
છે રાત્રિનો દિવસ કે દિનની નિશા છે ?
શું હું હઈશ બસ એક જ સ્વલ્પ સ્વપ્નું ?


કલાપીનો કેકારવ/૩૧૬