પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મ્હને ખેંચે છે તે તુજ જિગરને શું નવ અડે ?
ન શું મ્હારે માટે તુજ જિગરમાં સ્થાન જ ન મળે ?
અરે ! હું તો ત્‍હોયે જરૂર વસનારો તુજ ઉરે !
અરે ! ત્‍હોયે તુંને હજુ લઈ જનારો નભ પરે !

૧૪-૨-૧૮૯૭

નૂતન સખા પ્રતિ

મુજ જિગર આ ક્યાંથી ક્યાંથી ત્‍હને નજરે પડ્યું ?
મુજ જિગર આ – રે રે ! શાને, સખી દિલથી જડ્યું ?
રુદનમય ને ઢોળાયેલું વળી રસહીન છે !
તુજ તરસ આ મ્હારાં આંસુ - સખે ! ક્યમ છીપશે ?

અહહ ! રણમાં છાયા શોધી ફરી રણમાં પડ્યો !
અરરર ! દિશા જૂઠીમાં ત્‍હેં પ્રવાસ શરૂ કર્યો !
વિખરી પડતી હોડી આ તો ત્‍હને ક્યમ તારશે ?
ઉદધિ તરવા આવું ખોખું ! ન સાધન યોગ્ય છે !

દરદ દિલની મ્હારી પાસે નહીં જ દવા - અરે !
મુજ દરદની ત્‍હારી પાસે નહીં જ દવા હશે !
રુદન કરશું ત્યાં યે અશ્રુ નહીં મળશે ! સખે !
સ્મિત કરીશ તું ! મ્હારે માટે નથી હસવું હવે !

મુજ રુદનની વાતોથી તું રડીશ કદી કદી,
તુજ રુદનથી મ્હારી આંખો હવે પલળે નહીં;
મુજ નયનને રોવાનો તો સુકાલ વહ્યો ગયો,
મુજ જિગરની રેતીમાં તો દુકાળ પડી રહ્યો.

અતિ અતિ, સખે ! મોડું મોડું ત્‍હને ઉર આ મળ્યું,
મુજ હૃદયનું લૂટાવાનું લૂટાઈ સહુ ગયું;
રસિક ભ્રમરા ! આ વાડીમાં નથી હસતું ફુલે,
મુજ ચમનના ક્યારા સર્વે સુકાઈ લૂખા દિસે.

હૃદયવનના મીઠાબોલા મુસાફર હંસલા !
વિપુલ જલના વાસી ! ભોળા ! ન માનસ હોય આ !


કલાપીનો કેકારવ/૩૧૮