પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મુજ જિગરના કાંટા તુંથી નહીં ખરશે - સખે !
મુજ જિગરના કાંટા જાતાં ન જીવીશ હું - સખે !
પ્રતિ હૃદયને પોતાનાં છે નકી મધુ આંસુડાં,
પ્રતિ હૃદયનું છુપું અન્યે ઉકેલી શકાય ના.

મુજ હૃદયનું ખેંચાતા છે ગયું નમી કામઠું,
બહુ યુગ જતાં કોઈથી એ થશે ન હવે ઉભું;
કંઈ કરીશ તો ત્‍હારા સર્વે પ્રયાસ વૃથા જશે,
રડીશ નહિ તું ! છોડી દેજે મ્હને રડવું ગમે !

૧૬-૨-૯૭

એક સવાલ

નયનો મૃદુ વત્સલનાં રડશે;
ધરણી પર સૌ જ સખા ઢળશે!
સુનકાર મહીં પડનાર પડી,
મુજ મૃત્યુ પછી મુજને સ્મરશે.

પણ માલિક આ દિલનાં વમલો!
નભતારકયુગ્મ સમાં તરતાં મૃગ
જાદુભર્યા રગસાગર શાં
દગ શું નવ આર્દ્ર થશે કમલો ?

૨૮-૨-૧૮૯૭

ભવિષ્યના કવિને

ઉઠ ઉઠ ! રસઘેલા ! ગીત ગા કાંઈ તાજાં,
જગત મુખ વિકાસી જોઈ તુંને રહ્યું છે;
જલધિ ફરી વલોવી રત્ન કૈં કાઢ તાજાં,
કુદી કુદી ઊછળે તે ઊર્મિઓ અર્પવાને.

કમલવન તણાં તો ગીત પૂરાં થયાં છે,
નિજ ગીત ગવરાવી તૃપ્ત છે શીત રશ્મિ;
મધુર ફૂલની પ્રીતિ જાણતાં સૌ થયાં છે,
નવીન રસ તણાં તું ગીત ગા ગીત ગા કૈં.


કલાપીનો કેકારવ/૩૨૦