પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવે રંગીન પક્ષીઓ, મધુરવાં, બાગે વસન્તાન્તથી,
કો’ વેળા ત્યમ હર્ષ સૌ હૃદયમાં આવી ઊડે છે ફરી!
હોજો વિદ્યુત સાંકળી ચળકતી પ્રેમાર્દ્ર હૈયાં વિષે!
સ્પર્શે હર્ષ જરી જ કો’ હૃદયને તો સર્વવ્યાપી બને!

૧૫-૯-૧૮૯૩

કમલિની

લાડલી હું શ્વેતવરણી ઝૂલતી રહું જલ પરે,
મકરન્દ છાંટું ભૃંગ પર તે ગુંજતો મુજ પર રહે;
તેને સુવાડું રાત્રિએ મમ હૂંફવાળા હૃદયમાં,
ત્યાં પ્રેમધબકારા ઝીલે બન્ને દિલો આનન્દમાં!-૧

ફાનુસ રૂપાળા, દ્રાક્ષરસના જામ કે જાંબુ સમી;
હું તો રહું જલલ્હેરીઓની ઉપર ધીમે હીંચતીં,
ક્ષણ એક મારી પાસ નાનો આગિયો ચળકી રહે,
મમ પાંખસમ્પુટ ઉપર ફેંકે નીલવરણું તેજ તે!-૨

ને કુંભ અમૃતનો ભરી ઉદધિ થકી ચંદા કૂદે,
તે વાળ ખંખેરી રૂપેરી સુધા છલકાવી હસે,
સ્ફાટિક તણો ગગને ધરે ઘન પાટલો તે પર ઊભે,
ને અધર ફરકાવી લવે કંઈ મંત્ર મીઠા તે સમે!-૩

બૂરખો નવો મુખ પર ધરી ડગલાં ભરે ત્રણચાર, ને
મૂંઝાઈ ફેંકે દૂર તે ત્યાં સ્વેદબિન્દુડાં ખરે;
તિલ ગાલ પરનો, ધનુષ ભ્રૂ ને શ્યામ કાજળ નયનનું;
હીરાજડિત મ્હોટા અરીસામાં જુએ કરી ડોકિયું!-૪

કુમુદી ન્હાની બેનડી મુજ વ્હાલ ચંદા પર ધરે,
ચંદા કૂળા કર સ્પર્શ મૃદુથી ફેરવે મુખડા પરે;
ભગિની મ્હારી લાડકી તે જાગતી આખી નિશા,
મુજ પાસ જલશૈયા પરે નિદ્રા કરે દિનમાં સદા!-૫

સખી સાથે સ્નાન કરીને ચાલી ચંદા દૂર ત્યાં,
બરફ ગોળા પર મૂકી પગસ્મિત કરી કંપી જરા;
તે દૃષ્ટિ ચૂકાવી પડી, સરકી ગઈ, જલમાં ઢળી,
ને બાપડી ડૂસકાં ભરી રડતી રહી પ્રિય કુમુદિની!-૬

કલાપીનો કેકારવ/૮૦