પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ તો હમારી માદરે પાયું હમોને જન્મતાં,
ને મોતની મીઠી પથારીમાં ભર્યું એ એ જ છે!

એ ઇશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા!
એ લાખમાંના એક પણ જૂદા જ કૈં ઘેલા હમે!

૧-૩-૧૮૯૭

સ્નેહશૈથિલ્ય

ત્હને ચાહું કેવું? ક્યમ કહી શકું તે - પ્રિય! ત્હને?
શશીને ના કહેતી નિજ પ્રણય કો દી કુમુદિની!
અરે! ખૂંચે ત્હોયે તુજ હૃદયની આ શિથિલતા!
નહીં દોષો ત્હારા - પણ નસીબની વાત સઘળી!

કદી વેળા જાતાં તુજ હૃદય કૈં આર્દ્ર બનશે,
કદી ત્યારે તો આ મુજ હૃદય શૈથિલ્ય ધરશે;
વિરાગી ના લૂછે પ્રણયી રસિલાં સ્નિગ્ધ નયનો,
પછી શું એ અશ્રુ મુજ ઉર પરે કાર કરશે?

અરે! આ પ્રીતિમાં મુજ હૃદય રોકી નવ શકું,
ન પ્રીતિમાં પાછું હૃદય મમ વાળી શકીશ વા;
વહી જતી પ્રીતિ - અરર! કદિ એ ના અટકતી;
નહીં ભીની થાતી - અરર! રડવાથી શિથિલતા.

રડે મ્હારી પ્રીતિ તુજ હૃદયની આ શિથિલતા,
કદી તું યે રોશે મુજ હૃદયનું એવુંજ કંઇ;
દિસે નિર્માયેલો પ્રણય રડવાને શિથિલને,
છતાં તું માટે એ ક્રમ વધુ જરી કોમલ હજો.

૩- ૩-૧૮૯૭

એ મૂર્તિ

કંઇક દિવસો સુધી નયન બંધ રાખ્યાં,અરે!
ન એ મૃદુ છબી છતાં હૃદય પાસ આવે હવે!


કલાપીનો કેકારવ/૩૨૩