પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન અન્ય મુખની હવે કરીશ નાથ! હું પ્રાર્થના,
મ્હને વદન એ જ દે જિગર સાથ આ ચાલવા.

૧૫-૩-૧૮૯૭

એ સ્થલ

હૈયું આ ત્યાંનું ત્યાં ચોંટ્યું:
ત્યાનું ત્યાં બોટાયું બોટ્યું:
લોટ્યું પુષ્પે ત્યાં સાથી તે
                મુખડું ત્યાંનું ત્યાં.

ત્યાં તો હાવાં નહિ જાવાનું:
પ્રેમપૂરમાં ના ન્હાવાનું:
રોતાં અન્ત સુધી ગાવાનું
               'એ સૌ ત્યાંનું ત્યાં !'

૧૮-૩-૧૮૯૭

મ્હારૂં ભાવિ

ભાવિ કાંઈ એ ના મ્હારે;
કાંઈ એ રોવું ના ઠરે;
આંખ અગાડી જોતાં હારે;
                 તાજું શું છે કૈં?

ભાવિ ભૂત તણા ભણકારા:
એની એ આંસુની ધારા:
એના એ દુઃખડાના વારા:
                 શું છે તાજું કૈં?

૨૩-૩-૧૮૯૭


કલાપીનો કેકારવ/૩૨૬