પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભવિષ્ય અને શ્રદ્ધા

ના ના ભવિષ્ય મુજ કાજ હવે દિસે છે,
ભૂતો જ નેત્રપડદા થઈને ઢળે છે;
જ્યાં જ્યાં ધરૂં પગ, તહીં ફરી એ જ જ્વાળા,
ને એ જ અશ્રુ મહીં એ જ ભર્યા બળાપા.

ના મામલા પ્રણયના પણ એ જ જાગે,
નિદ્રા ન લે હ્રદય શાન્ત સૂઈ વિરાગે;
આ પિંજરૂં દરદનું હજુ તોડવાને,
વાયુ તણી સુસવતી લહરી ન આવે.

ભવિષ્યે ના ભાળું મુજ હ્રદય માટે પગથિયાં,
ભવિષ્યે ભાસે છે દરદમય એ ભૂતમયતા;
ન પંપાળે કોઈ મુજ હ્રદય - સાથી હ્રદયથી,
રહ્યા ભૂતે કોઈ - કંઈ ઉડી ગયા છે નજરથી.

ગઈ ઉડી તેવી મુજ જિગર પાંખો નવ ધરે,
ફરી જાતાં પાછું મુજ જિગર ત્રાસે થરથરે.

* * *


થાકી જાતાં હ્રદય આ વહતું નથી કૈં,
ગાવા મૃદુ લહરીઓ ગ્રહતું નથી કૈં;
લાગે મુને જીવિત આ કડવું થતું કૈં,
'હું એકલો' અરર! એ ખટકે ઉરે છે.

આશા દિસે જિગરને વનમાં જવાની,
જ્યાં તે અભંગ ઝરણું નિજ નાચ નાચે,
પ્રત્યેક બિન્દુ શશીમાં શશી જ્યાં બને છે,
જે સ્થાનનો હ્રદયને સહવાસ જૂનો.

આવા દુઃખી કલુષ વિશ્વ થકી જળેલું -
જે કોઈ ના મધુર મૂર્તિ મહીં ઠરેલું,
પંપાળનાર કરથી હતભાગી હૈયું -
જેને ન કોઈ ઉરથી ધરનાર આંહીં.

જેનું પડ્યું શયન કંટકથી ભરેલું,
તે આજ કાંઈ સુખમાં વહવા જ ઇચ્છે,


કલાપીનો કેકારવ/૩૨૭