પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ વિશ્વ આખું બનતું પ્રવાહી,
સ્વીકારવા છાપ ઉદાર સર્વ તે.

બ્રહ્માંડ પ્રેમી નિરખે પ્રિય વસ્તુ માંહી,
બ્રહ્માંડહર્મ્ય તણી એક જ પ્રેમ ચાવી;
તાળું ઊંડા ઉરનું એક જ ખોલતામાં
ભાગોળ વિશ્વતણી સૌ જ તૂટી પડે છે.

પૂરો વિશ્વ તણો મહાન રસ કો જે નેત્ર પામી શક્યાં,
તેને વિશ્વ તણા સહુ ય રસમાં છૂટી સદા મ્હાલવા;
જે હૈયે સઘળું ય વીરરસમાં રેડ્યું હતું રક્તને,
તેને આ કરુણા તણા જલધિને જાવું તળે સહેલ છે.

સફલ ઘડીઓ આવી કિન્તુ અનેક ન સાંપડે,
અમર બનવા આવું પૂરું સુધા ન મળી શકે;
તરુણ પ્રણયી! ત્હારે માટે હજો જરી દીર્ઘતા,
તુજ હૃદયમાં આવી લ્હેરી ધરો સ્થિરતા જરા.

પરંતુ કોણ છે ઊભું સામે ટેકરી ઉપરે?
આકૃતિ દૂરની એ કૈં જૂદા ભાવ ઉરે ધરે.

પાષાણની કોઇ શિલા પડી ત્યાં,
પાસે પડ્યા કંટક થોરના છે;
અહીં તહીં પિંજર હાડકાનાં -
પડી રહ્યાં કૈંક પશુ તણાં છે.

વૃક્ષો પરે લાલ ત્રિશૂલ ભાસે,
સિન્દૂરનાં સર્પ દિસે વળી કૈં;
નીચે સૂકાં ખેતરના પથારા,
કને જ મ્હોટો પટ ક્ષાર ભૂમિનો.

કરે ત્યાં ડોકિયાં છાનું ક્યારનું મુખ શ્યામ તે,
અને એ લાલ આંખો કૈં અંગારા સરખી ઝગે.

લાંબી સિસોટી તહીંથી સુણાતી,
સામી સિસોટી દૂરથી ય થાતી;
પક્ષી ય સૌ ચૂપ થતાં ઘડીક,
વાયુ વહે છે ફરી શાન્ત શાન્ત.


કલાપીનો કેકારવ/૩૪૪