પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'દિવાળીના જેવો અમ નગરમાં ઉત્સવ થશે,
'અમારા ભીલોને રજપૂત તણાં દર્શન થશે;
'પ્રવાસીનો આંહીં જરૂર કંઈ થાકે ઉતરશે,
'વિસામા માટે એ ક્યમ ન મુજ ઘેરે અટકશે?

'હવે તો આજ મધ્યાહ્‍ને ધોમ આ તડકો ધખ્યો,
'આજ તો દૂર આંહીંથી જાવાનું નવ નામ લ્યો.'

સાનન્દઆશ્ચર્ય હમીર ઊભો,
એ ભીલના ભાવ નિહાળતો કૈં;
એ લૂટનારા પર આર્દ્ર હૈયું
સ્નેહે ભર્યું કાંઇ વહી રહ્યું છે.

તે ભીલને કાંઇ વિશેષ જોવા
ઔત્સુક્ય છે નેત્ર મહીં તરન્તું;
તે સ્થાનને કાંઈ વિશેષ જોવા
મોજું વહે છે હૃદયે કુદન્તું.

તે સિન્ધુમાં તે તરતી છબીલી,
મુક્તાભરી ઊઘડી છીપલી શી!
જ્યોત્સ્ના મહીં વિદ્યુતના પ્રકાશે,
તે યોધ પ્રેમે દ્રવતો રહે છે.

જે ઘાટમાં એ લલના નિહાળી,
તે ઘાટ પાસે જ હજુ ય ર્‍હેશે;
ન યોધને કૈં જ ત્વરા જવાની,
તે સ્થાનમાં કાં નવ ઠેરશે તે?

તે સ્વર્ગ - તે સુન્દરના પ્રદેશો,
તે પ્રેમભીની દિસતી લતાઓ;
પ્રત્યેક જ્યાં પર્ણ દિસે રસીલું,
ત્યાં પ્રેમને સ્વલ્પ ક્ષણો યુગો એ.

છે નેત્ર ભીલે, ઉર કામિનીમાં,
છે જાગ્રતિ કાંઇ સુષુપ્તિ જેવી;
યત્ને ફરી ચેતન મેળવીને,
હમીર સત્કાર સ્વીકારી લે છે.


કલાપીનો કેકારવ/૩૫૩