પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બખતર ઉતરાવી સ્વસ્થ એ યોધ થાતો,
હૃદય ફરી મધુ એ સ્વપ્ન માંહીં ચડે છે;
નિજ ઉર વસનારી તે જ ને તે જ વાતો,
ફરી ફરી ફરી પ્રેમે મિત્ર સાથે કરે છે.

* * *


વેગડો જાય છે પાછો પોતાના ગઢમાં અને
કિલ્લા ને ગામ માંહેથી બોલાવે સહુ ભીલને.

તે રાત્રિએ ભોજન સાથ લેવા
સૌ ભીલને સ્નેહથી નોતરે તે;
આજ્ઞા કરે છે શણગારવાને
કિલ્લો અને ગામ ઉતાવળેથી.

દોડી ગયા ભીલ અહીં તહીં સૌ
ને ગામમાં વાત હજાર ફેલી;
શોભાવવાને નિજ હાટડાં ગૃહો
લાગી ગયાં છે સહુ કાર્ય માહીં.

હુક્કો લઈ હાથ મહીં રૂપેરી
હર્ષે ફરે નાયક ભીલનો તે;
સંધ્યા તણી રાહ નિહાળતો કૈં
ઔત્સુક્યથી સૂર્ય ભણી જુવે છે.

ધીમે ધીમે કિરણ રવિનાં કાંઈ પીળાશ ધારે,
થંડી થાતી અનિલલહરી બાગમાં શાન્ત ચાલે;
લાંબી પાંખો કરી કરી શુકો ખાય છે કૈં બગાસાં,
છાયા છોડી ગગન ફરવા થાય છે સાદ મીઠા.

નિદ્રામાંથી ઉઠી ઉઠી હવે જોડીઓ લાખ ઊડે
ને બચ્ચાંને ચળ કરી હજુ ચંચુથી કૈં સુવારે;
કુંજોમાં તો બુલબુલ તણાં ગીત ફેલાઈ જાતાં
ને ન્હાનાં એ ઉદર પણ સૌ કાંઈ માગે ફરીથી.

જે અર્પતો સૂર્ય ઉઠી સહુને,
તેનું જ તે અર્પી સુવા ઢળે છે;
ઉત્સાહ જે જન્મ થતાં જ દેતો
ઉત્સાહ તે મૃત્યુ થતાં ય દે છે.


કલાપીનો કેકારવ/૩૫૫