પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ખેતર વાવી રેત ! ઊગ્યાં તુંબાં સામટાં !
'તેમાં ઘ‌ઉંની રેલ સોનક ભક્ત તણે ખળે ![૧]

ગઢવીને બથે ભેટી મળે યોધ ઉભો થઈ,
બારોટે હસ્ત જોડીને ચાલવા વિનતી કરી.

બારોટજીને નિજ દેઈ હુક્કો
તેથી જરા સ્વસ્થ થવા કહીને,
હમીરજી સજ્જ થવા ત્વરાએ
ગયો કનેની લઘુ રાવટીમાં.

નોકરો ચાકરો સર્વે ઉભા સજ્જ થઈ જઈ,
મિત્રની સાથ આવે છે પ્હેરી વસ્ત્ર હમીરજી.

છે શ્વેત વસ્ત્ર સહુ અંગ પરે ધરેલાં,
આછી ઝીણી ટિબકી પાય પરે સુનેરી;
કેડે ઝુલે કમરબંધ નીચે પછેડી
ને ખડ્‌ગ હસ્ત મહીં નાજુક સર્પ જેવું.

જેને ઉરે રસિક છે લલના રમંતી,
જે પ્રેમથી હૃદય ત્યાં દ્રવતું સદા એ;
તે નેત્રમાં પ્રણયહેલી રહે વહંતી,
દેદીપ્યમાન રસ ભાલ પરે ઝગે છે.

ગંભીર એ વદન પૂર્ણ પ્રસન્ન ભાસે
ને ધૈર્ય નેત્ર તણું ધ્રુવ સમું દિસે છે;
તે ચાલ, તે વદન, તે સ્મિત, બોલ તેના
જોઈ રહે ગઢવી કાંઈ ઉમંગથી સૌ.

એ મિત્ર બેય ઊભી કુંતલ અશ્વ પાસે
એ વાળ ઊડતી પરે કર ફેરવે છે;
આરૂઢ થાય - ગઈ વિદ્યુત જેમ ચોંકી
ને અશ્વ પાંચ દશ તીવ્ર ફલંગ દેતાં.

જે શસ્ત્ર શત્રુકરનાં વિજયે મળેલાં -
જે પામતાં રુધિરનીક કંઈ વહેલી -

  1. સોનકજી ગોહેલ મહાન ભક્ત હતો. એક દિવસ ઘ‌ઉંનું ગાડું ભરી ખેતર વાવવા જતો હતો. મારગમાં સાધુની એક મંડળી મળે છે તેને ઘ‌ઉં બધાં આપી દે છે. રેતીથી ગાડું ભરી લે છે અને રેતી વાવે છે. તેમાંથી તુંબડીના વેલા ઊગે છે. તુંબડા પાકતાં તેને ખરામાં એકઠા કરે છે અને તુંબડાં ફોડતાં પુષ્કળ ઘ‌ઉં નીકળી પડે છે.


કલાપીનો કેકારવ/૩૫૮