પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નેત્ર વિખૂટાં છો બને ! ભલે દૂર હો અંગ !
પણ ધ્રુવ ત્યાં ધ્રુવમાછલી - એ જ પ્રેમનો રંગ !"

તૈયારી છે કસુંબાની, વારતા, અટકી અહીં;
અંજળી આપવા લેવા તાણખેંચ શરૂ થઈ.

પાળાં રૂપેરી ત્રણ ચાર મ્હોટાં
કુંડી સમાં હાજર એ ફરે છે;
હુક્કા દિસે સૂઈ ઉઠેલ તાજા -
ભરેલ તે વાદળી શા ગડેડે.

બારોટજી બાંય ચડાવી ઉઠે,
એ ધર્મ તેણે જ હતો બજાવવો;
ટીપાં ઉપાડી નિજ આંગળીથી
શીરે ધરી રંગ કંઈક દેતા.

'રંગ છે મોખડા તુંને ! હોજો રંગ હમીરને !
વીભાને રંગ હો ઝાઝા ઘોડાં દેતલ જામને !'[૧]

મીઠો કસુંબો ગઢવી કરે છે,
ચોપાસ કૈં અંજળીઓ ફરે છે;
એ ઘેન ધીમે ચડતું દિસે ને
વેળા ય ના ભોજનને હવે છે.

નશામાં ઘેન સૌ મીઠાં મીઠાં છો વિશ્વને બને;
પ્રેમના ઘેનમાં બીજું ના ના ઘેન કદી ચડે.

ફરીથી એ બાલા સરવર તણી યોધહૃદયે
સુણાતાં આ વાર્તા રુધિર સઘળામાં તરવરે;

  1. ગઢવી સૌથી પ્રથમ કસુંબો મીઠો કરે છે - પીએ છે - અને તે વખત ધરાએલી અંજળીમાંથી અક્કેક ટીપું ઉપાડી શિરે અથવા પોતાના હાથની કળા પર ધરી દરેક ટીપે દાતાર, શૂરા અને સૌથી પ્રથમ પોતાને બંધાણ કરાવનારને - ગુરુને - રંગ - સાબાશી આપે છે. હમીરને પણ રંગ આપે છે તેનું કારણ તે ત્યાં હાજર છે એ નથી; કેમકે એમ રંગ અપાતા નથી, રિવાજ પણ નથી, - પરંતુ તેની મારવાડની કારકિર્દીએ એવા રંગ માટે તેને યોગ્ય બનાવ્યો હતો તેથી જ અહીં જેમ તેની ગેરહાજરીમાં તેમ જ હાજરીમાં રંગ અપાય છે.

    મ્હારી કથાને તેના મારવાડના વાસ સાથે સંબંધ ન હોતાં તે વાત મૂકી દેવી પડે છે, તેને માટે મ્હને દિલગીરી થાય છે; કેમકે તે પણ કોઈ કાવ્યને - વીરકાવ્યને - શોભાવે તેવી છે. અને એ લખાય ત્યારે જ હમીરજીના ચરિત્રને ન્યાય મળ્યો કહી શકાય.


કલાપીનો કેકારવ/૩૮૩