પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે માલા ગઢવીકરે લટકતી તાજાં ફુલોની હતી -
જે એ યોધઉરે જ ભોજન પછી પ્હેરાવવાની હતી -
તે માલા કરમાં લઈ કુંવરીએ અર્પી દીધી યોધને,
ના - હા કૈં કરવા તણો સમય ના બાકી રહ્યો છે હવે.

સરતટ પરે ગૂંથાયાં તે તરો ઉદધિ મહીં,
અનુકૂલ વહો વાયુલ્હેરી સદૈવ શઢો ભરી,
અમર રસ કો - તેનાં લ્હાણાં ભવોભવ પામજો,
તન હૃદયનાં ઊંચા સ્વર્ગે સદા નયનો હજો.

હર્ષાશ્રુ એ ગઢવીનાં નયને વહે છે,
સંસારકાર્ય સહુ પૂર્ણ થયાં દીસે છે;
એ યુગ્મનાં ફરીફરી દુખણાં લીએ છે,[૧]
આશીષ હર્ષલહરી ઉભરાઈ વ્હે છે:

'સુખડાં લાખ હો તાજાં ! નીલો બાગ સદા હજો !
'ચાંદલો ચૂડલો ત્હારો બાપુ ! બહેન ! અખંડ હો !'

  • * *

રજની આ વહતી મૃદુતા ધરી,
પતિ કને નવલા લલના જતી;
વદન એ પિયુના ઉરમાં સરે,
જ્યમ શશી નભમાં ઉપરે તરે.

સર્ગ-૪
પડાવ

સ્ત્રી - જે સૌ ઉપકારની વિવિધતા, સંસારની રોશની,
ઉષ્મા વિશ્વવિહારની, રસિકતા સાક્ષાત જે ઈશ્વરી;
જેની સુન્દરતા, કૃપા, જગતને આહ્‍લાદ પાઈ વહે -
તેને આ મુજ બીન સોંપી શરણું, તેને જ ગાતું રહે.


સભર વિહરે લાલી લાલી છવાઈ છવાઈ આ,
કુમકુમ ભર્યાં શું બાલાનાં મૃદુ ચરણો ફર્યાં;
શરમ કરતી મુગ્ધા જાગે પિયુઉરથી સરી -
ત્યમ થરથરી તાજા સ્નેહે ઉષા નભમાં તરી.

  1. દુખણાં સ્ત્રીઓ જ લે છે. પણ બહુ આનન્દમાં આવી જઈ આશિષ દેતાં, દેવી પુત્રો - ચારણો પણ માતાની પેઠે જ પોતાના અન્નદાતાનાં દુખણાં લે છે.


કલાપીનો કેકારવ/૩૮૯