પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રૂડો જાંબુરંગી સુરસ રસ સંધ્યા સલુણીનો,
ધરી પ્રીતિ હૈયે તુજ પર અભિષેક કરતો;
ગુલાબી પાંખો આ, સુમન ! તુજ તેજે ચળકતી,
દિસે તું સાક્ષાત પ્રણય, રતિ, તે મૂર્તિ સુખની?

અરે વ્હાલા ! વાશે પવન અધિકો ઉષ્ણ બળતો,
હશે આ કાલે વા તુજ તરફ એ ક્રૂર ધસતો;
તને ચિન્તા ના ના! સુભગ તુજ હૈયું સુખભર્યું,
તને ના સ્પર્શે કો વિષમ દુઃખ આ ક્રૂર જગનું !

સુખી આ સંસારે સુખમય નહીં કો’ તુજ સમું,
અમારે આનન્દે દિલ પર રહે છે દુઃખ છૂપ્યું,
દુઃખી જો ઓછું તો સુખ બસ થયું એમ ગણશે,
બિચારૂં ભોળું એ મનુજ સુખ પૂરું ન સમજે!

અમારાં મીઠાં તે રુદનમય છે ગીત સઘળાં,
દુઃખે શિખેલાં એ કવિદિલ શિખાવે દુઃખ બધાં;
ન નિદ્રામાંયે છે પરમ સુખ વિશ્રાન્તિ અમને,
બૂરાં સ્વપનો આવી જનહૃદયમાં કંટક ભરે!

ન આનન્દે ત્હારા બિલકુલ હશે ધ્વંસ કદીએ,
ઉદાસીની છાયા તુજ દિલ પરે ના રજ વસે;
કરે છે પ્રીતિ તું, સરવ તુજ પ્રેમે ખુશ રહે,
અતિ તૃપ્તિની તું સમજ નહિ પીડા પણ ખરે!

સુખી આત્માનું ને પ્રણય જગ ને મૃત્યુ ભવનું –
હશે ઊંડું સાચું તુજ હૃદયમાં જ્ઞાન વસતું,
ન જે જાણે છે કો’ મગજ કપટી મર્ત્ય જનનું,
નહીં તો આવું તું સુખભર રહે કેમ ખીલતું !

ન જાણું તું શું છે? તુજ સમ હશે શું જગતમાં?
ન ત્હારા જેવી મેં નિરખી ખુશબો કો’ કુસુમમાં;
નહીં તો પૃથ્વીનું, સમ મુજ કહે ક્યાં અવતર્યું?
વસ્યું’તું કૈલાસે? શિવશિર પરેથી સરી પડ્યું?

ન તું સ્વાર્થી ને ના કૃપણ તુજ હૈયું જન સમું,
ગ્રહી આશા તેથી હૃદય મમ કૂળું તુજ કર્યું;

કલાપીનો કેકારવ/૮૮