પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોને કહેવું


ઊંડા દુઃખડાં કોને કે'વાં ?
પૂરાં ઘાયલ ક્યાં છે એવાં ?
લાખ મળે છે જેવાં તેવાં :
                       ક્હેવા કોને રે ?

હૈયાના તો તારો તૂટ્યા :
ગાવાના સૂરો એ ખૂટ્યા :
આંખલડીના તારા ફૂટયા :
                        ક્હેવું કોને રે ?

૨૫-૩-૧૮૯૭

નિઃશ્વાસો


હૈયું આજ નિસાસા લેશે :
આંસુડાંને પૂરે વ્હેશે :
ઊંડાં દુઃખ નિચોવી દેશે :
ઝાળ કોણ એ ઝીલે છે ?

વાયુ દૂર નિસાસા લે છે;
એનાં દુઃખડાં કોણ સહે છે?
એનું છે તે એનું યે છે:
નિસાસા એકલડું લેશે ?

૨૪-૩-૧૮૯૭

એકલો હું

જ્યોત્સના ચોપાસ રેલે છે:
ચોપાસે તારા ખેલે છે:
શાન્ત નિશા ગાતી ચોપાસે :
                    કો મ્હારી પાસે?


કલાપીનો કેકારવ/૪૧૮