પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેશવટો

ઝરમર અધરે વરસે મોતી,
ફુલડાં આંખડીને ખૂણેથી,
એ મુખડાનું વાસી દિલડું,
                દેશવટે ઉદાસી રે!

પાળેલું પોષેલું પંખી,
રણવગડામાં મરતું ઝંખી,
નાગ ગયો હૈયામાં ડંખી,
              તલફે પ્રેમપ્રવાસી રે!

૨૯-૩-૧૮૯૭

ભ્રમર

આંખલડી ત્હારી કાં રોતી ?
ભમરા ! ફુલડું લેને ગોતી !
કળી નાજુકડી તુંને જોતી,
                 ત્હોયે કાં રોતી !

પ્રેમપુષ્પ રોઈ જોવાનું,
લાધ્યું ત્યારે એ રોવાનું,
ગૂંથાતાં હૈયું ખોવાનું,
                 રહેશે આંખલડી રોતી !

૨૬-૩-૧૮૯૭

પ્રેમાધીન

કાચે તાંતણલે ટાંગ્યું છે,
ભાંગે તો હૈયું ભાંગ્યું છે,
એ તો કાચ તણી જ કટોરી
              તોડી દેશે એક ટકોરી !


કલાપીનો કેકારવ/૪૨૦