પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્હને રોતી કરૂં તે તો બનાવું તો બને તેવું;
હસે તેને રડાવું કાં ? કરૂં સાથી ? ડરૂં કાંઈ !

હસે તું તે વિસામો કૈં હતો - તે હાલ ક્યાં હાવાં?
વિસામાની નહીં આશા, કહેતાં એ ડરૂં કાંઈ !

છતાં આશાભરી પ્રીતિ; ન કાંપ્યાલું ત્હને પાવું ?
ઉરે આશા ધરૂં ના કાં ? ધરૂં કે ના ? ડરૂં કાંઈ ?

૩-૯-૧૮૯૭

રોનારાં

રોનારાંને રોવા દેજો:
હસવાનું તેને ના ક્હેજો :
શીદ દયા ખાલી ખોવાની ?
                     રોતી આંખો રોવાની?

રોનારાંએ રોવું લીધું,
આંસુડાંને હૈડું દીધું,
આંખે ઘેલું અમૃત પીધું,
                     પી પી રોવાની !

૯-૩-૧૮૯૭

વીત્યા ભાવો

વીત્યા ભાવો હજુ મ્હારા છે:
આગ મહીં થંડા ક્યારા છે :
આંસુ તો સુખની ધારા છે :
                     આ હૈયાને બીજું શું ?

તું એ મીઠા ભાવો સ્મરજે :
તેને સ્મરતાં સ્મરતાં મરજે :
હૈયાફાટ સદા વા રડજે :
                     રે રે ! બીજું શું ?

૧૫-૪-૧૮૯૪
કલાપીનો કેકારવ/૪૨૪