પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તલફું કાં

જે દુઃખ હૈયે પાળી રાખ્યું,
જેને પીતાં અમૃત ચાખ્યું,
જે માટે સુખ ફેંકી નાખ્યું,
                    તેને સ્હેતાં તલફું કાં?

જેમાં છે હૈયાને ર્ હેવું,
તે તલફી કાં લૂંટી લેવું ?
દેતાં કાં પૂરૂં ના દેવું ?
                   સ્હેતાં તલફું કાં ?

૨૩-૪-૧૮૯૭

વીત્યાંને રોવું

રોતું અન્તરનું રોનારૂં :
રોતું ભીતરનું જોનારૂં :
લ્હોનારૂં એ લ્હોતું :
                      પણ વીત્યાને શું રોવું ?

મળતાં પ્રેમજમાતી ખાખી,
હજુ એ ના રોશું પડ રાખી,
ભર સમુદરિયે સાથે વ્હેશું,
                     ત્હોયે વીત્યાંને રોશું.

૨૯-૪-૧૮૯૭

ક્રૂર માશૂક

કપાવી માશૂકે ગરદન હમારી કોઈના હાથે !
વળી છે રિશ્વતે દૂરે રખાવ્યો મોતને હાથે !

ખુદાઈ મોત પણ તાબે ઈશારે માશૂકે કીધું !
જબાં આંખો વગર આવું હમોને લોટવું દીધું !


કલાપીનો કેકારવ/૪૨૫