પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રિયે! વ્હાલી! સાથી! મધુર લહરી આ નિરખજે!
'સદા જન્મે જન્મે મુજ જિગરમાં આમ વસજે!
'નિરાશામાં આશા તુજ હૃદયની શાન્ત કરજે!
'સદાના ત્હારા આ દૂષિત સહ પ્રેમે જ તરજે!'

લવન્તાં આવું આ નયન નિરખે સ્વર્ગ નવલાં,
ભવિષ્યે ને ભૂતે નવીન કંઇ લાખો યુગ પડ્યા;
તહીં જોડી જોડી અગણિત ઉરોની રમી રહી!
અહીં જોડી જોડી અગણિત ઉરોની રડી રહી.

જહીં જે ત્યાં તે છે નિજ ગગનમાં મોજ કરતું,
અહીં ત્યાં સર્વેમાં સ્મિતરુદનજોડું રમી રહ્યું;
અમે ડૂબી જાતાં લટુપટુ અમારા ઉદધિએ,
ગતિની ઇચ્છા કે જરૂર પણ કૈં એ નવ મળે.

અહો! એ મ્હોં એ મ્હોં મુજ નયન પાસે તરવરે!
અરે! ઊંડું ઊંડું હજુય ઉર એ કૈં કરગરે!
નિસાસો આવે છે! હૃદય ધડકે છે નવીન કૈં!
સહુ છુપા તારો ઝણઝણ થતા કમ્પિત બની.

૮-૫-'૯૭

છાના રોશું દર્દે

ડસડસ કાં ત્હારાં દગ જોતાં!
આમ ગરીબી શાને રોતાં?
શાને આમ નિસાસા લે છે?
                          શી પીડા હૈયે છે?

રે! મ્હારૂં શું એ હૈયે છે?
મ્હારા કાંટા ખૂંચે મુજને,
ના રોશું જો એ દુઃખ તુજને,
                        ના સુખ ત્હારાં દર્દે;

મુજને ના દુઃખ શું તુજ દર્દે?
વ્હાલી! છાના રોશું દર્દે?
નિસાસા લેવાથી શું છે?
                        મ્હારે વા રોવાથી શું છે?


કલાપીનો કેકારવ/૪૩૧