પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે ઝિન્દગીથી ના બન્યું, તે તો મોત આ દેશે કરી!
જે મોતથી દૂરે રહ્યું તે ઇશ્કથી યે દૂર છે! જ્યાં.

પીજે શરાબો, ઓ સનમ! આ ઝેર અંતે પામજે!
એ છે દુવા પીનારની! પીવું પરન્તુ દૂર છે! જ્યાં.

શા અર્થની મારી મજા? એ છે હવે ના પૂછવું,
કૈં પૂછવું કૈં બોલવું, એ ઇશ્કનાથી દૂર છે! જ્યાં.

ઓ ઝેર! દિલના યાર! તું તુજ કામ કર વ્હેલું હવે!
ના 'ના' હવે કો બોલશે! એ દેખનારૂં દૂર છે! જ્યાં.

એ આંસુડાં જે આંખ આ કૈં દૂરથી જોઇ શકે!
એ આંસુડાં મ્હારૂં જિગર હાવાં - મગર કૈં દૂર છે! જ્યાં.

જે ઝેર દર્દીને થયું વ્હાલું સદા ઇશ્કે અહીં,
તે તું જ છે! તે તું જ છે! તહારો નશો કાં દૂર છે? જ્યાં.

શું એકલાને અર્પવું કૈં ઝેરને એ ના ગમે!
બીજું નથી કંઇ આલમ મહીં! એ દૂર છે! એ દૂર છે! જ્યાં.

જેને ખુદા પાસે ધરે - જેને ખુદા મ્હારું કરે -
તેં આ જિગરનું એ જિગર હુંથી સદા યે દૂર એ! જ્યાં.

૪-૫-૯૭

સુકાની શબ્દ

 'ત્હને ચાહું છું?' એ કદિ પવ પડ્યા શબ્દ શ્રવણે,
હવે એ શબ્દોના હૃદય ભણકારા મુજ સુણે;
કહેતી આંખો તે ક્યમ પ્રિય મુખે ત્હેં નવ કહ્યું?
અરે! તેને માટે તૃષિત ઉર આ છેવટ રહ્યું!

ત્હને પૂછ્યું વ્હાલી! બહુ વખત એ એક જ હતું,
'ન ચાહે કે ચાહે?' ફરી ફરી રહ્યું એ જ કથવું!
પ્રિયે! આ નૌકાને નવ ગતિ તણી કોઇ જ દિશા,
સુકાની શબ્દો તે મુજ જિગરથી દૂર જ વસ્યા.

'ન ચાહે કે ચાહે?' મુજ અધરનું એ ફરકવું,
સદા ત્હારા કુણા પુલકિત કપોલે સરક્તું;


કલાપીનો કેકારવ/૪૩૩