પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અરે ! શું દૂર છે સારૂં? હજુ તો કેટલું દૂરે?
નિરાશામાં પડું કે ના ? ફરી ગા 'દૂર છે સારૂં!'

ગણું કોશો કહીં ? પંખી ! ગણિતની બ્હાર એ સંખ્યા !
છતાં રાખું સદા શ્રદ્ધા ! ભલે ગા 'દૂર છે સારૂં!'

૩૦-૬-૧૮૯૭

પુનરુદ્વાહ

ફૂલો એ ગાલોની ઉપર પડતી ઝાંય ધરતાં,
તરન્તાં મચ્છોમાં નયન સરખી છે ચપલતા;
જહીં લક્ષ્મી શોભા તહીં કઈંક એ મ્હોં વત દીસે,
પદાર્થો સર્વેમાં કંઈક સમતા વ્યાપ્ત સઘળે.

ઝુલન્તી વેલીમાં મુજ હ્રદય કેં પ્રેમ ધરતું,
દિસે નાચી ર્'હેતું જલધિજલ એ વાળ સરખું;
મ્હને એ અંગોની કુદરત દિસે ભાવમયતા
ગયેલા ભાવોને ફરી ફરી ધરાવે સ્મરણમાં.

બધાં વ્હાલાં મ્હોંના કુદરત દિસે ભાવ ધરતી,
બધેથી તો એવી મધુર કમ લક્ષ્મી ન ગ્રહવી ?
ગયેલાં બાલોને જનની ફુલમાં છો નિરખતી,
ભલે વ્હેળાંઓને રમત કરતા પાદ ગણતી.

જનોથી કિન્તુ જે જનવદન સાદૃશ્ય ધરતાં
કહીંથી પુષ્પે કે ઉદધિ મહીં તે હોય સમતા?
રમન્તાં બાલોને જનની ફુલ છોડી નિરખશે.
ગયેલા ભાવોની અધિક નકી ત્યાં લ્હાણ મળશે.

રજા છે અશ્રુને કુસુમ પર ઢોળાઈ પડવા,
મ્હેને ના વારે કો ઉદધિ કૂદતાને નિરખતાં;
છબી તે બાલાની કઈંક ધરતી કોઈ લલના,
અરે! તેને જોતાં મુજ નયન કાં બન્ધ કરવાં?

જનો, પુષ્પો, વેલી કુદરત તણાં સૌ રમકડાં,
ઘટાવો શી રીતે કુદરત મહીં ભેદ ગણવા ?


કલાપીનો કેકારવ/૪૩૮