પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જનોના આત્મામાં જીવન બસ કો ભાવમયતા,
અરે ! તે લૂટીને જીવન ક્યમ લૂટી લઈ જતા ?

ભલે કો બચ્ચાને અવર જનની ચુમ્બન કરે;
ભલે કો બાલાથી રમત રમનારો રમી રહે;
ગયેલાંના અંશો જહીં જહીં મળે છે કુદરતે,
તહીં સૌ અર્પાવા મૃદુ હ્રદયનું તત્પર દિસે.

૧૨-૭-૧૮૯૭

એકપતિપત્નીવ્રત

સુગન્ધી પુષ્પો જે નવીન મકરન્દે મહકતાં
રુચે ત્યાં અર્પે છે નિજ રજ સુગન્ધી રસભરી;
સદા સ્વચ્છન્દી આ બુલબુલ તણા હું સ્વર સુણું,
નવી પાંખો સાથે લથબથ થઈ જે ગહકતાં.

ન આ કેદી ભાસે કુદરત તણાં સ્થૂલ હૃદયો,
બહુ ના દેવાનું પણ દઈ શકે જ્યાં મન ગમ્યું;
મૃદુ મીઠા અંશો નિજ હૃદયના ઉત્તમ બધા
સદા એ રેડાતા અનુકૂલ અને ઉત્તમ મહીં.

તહીં દેવો નાચે - ગગનપડદે સૂક્ષ્મ હૃદયો,
અહો ! એ લ્હાણાં એ નહિ નહિ નકી પિંજર પડ્યાં;
મળી જ્યાં જ્યાં જાવા નિજ હૃદય પ્રેરે કુદરતે,
મળી ત્યાં જાવાની સહુ હૃદયને છૂટ સરખી.

રુચે છે પ્રીતિને ક્ષણ ક્ષણ કંઈ નૂતનપણું,
રુચે છે આત્માને અનુભવ નવામાં વિહરવું;
નકી હૈયુંપ્યાલું હૃદયરસ કો એક જ વતી
ભરાતું ના પૂરૂં, નવ વળી અધૂરૂં રહી શકે.

 જનોનાં હૈયાનાં રુદન કરતાં પાત્ર અધૂરાં,
ઉરો જ્યાં ખેંચે ત્યાં અરર ! નવ સ્થૂલો જઈ શકે;
ઉરો ખેંચી લેવા જનઉર મહીં ના બલ કશું,
ઉરો તો ઊડે છે લથબથ થવા સામ્ય નિરખી.


કલાપીનો કેકારવ/૪૩૯