પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જડાત્મા વૃક્ષો તો ખિલખિલ હસી હર્ષ સૂચવે,
અને પૃથ્વી માતા ફરતી ફરતી ગાયન કરે !

અહીં આ મન્દિરે, સુખદ સમયે વ્હાલી રહી આ,
દિસે કો યોગિની, શિવવિભૂતિ, સાક્ષાત રતિ વા !
વિશાળાં રાતાં બે અનિમિષ રહ્યાં લોચન રૂડાં,
અને ભાસે સર્વે વીજળીમય અંગો સળગતાં !

કુમાસી સુવાસી લઘુ દ્વય રહે ઓષ્ઠ ધ્રૂજતા,
ભણે સ્તોત્રો મીઠાં પ્રભુપૂજનમાં લીન પ્રમદા;
ધ્વનિ તેની ગાજી વનચર બધાંને વશ કરે,
પિગાળી દે પ્‍હાડો ! નદ નદી ઝરાનાં નીર ઠરે!

કુસુમ્બી સાડીનો પટ સ્તન ગ્રહી ફર્‍ફર ઉડે,
મહા કો રાજાનો જયધ્વજ ફરેરે જ્યમ ઊંચે;
કિશોરીના કેશો શરીર પર શા ચામર કરે !
સ્તવે એ શંભુને, સુભગ પ્રિયને આ દિલ સ્તવે !

તહીં બાંધેલો છે તરુવિટપમાં ઘંટ શિવનો,
ધ્રૂજે શાખા ત્યારે ઘણણણ તે ઘોષ કરતો;
બજાવાને યત્નો વિફલ કરતી પ્યારી સઘળાં,
ફણે ઊભી ઊંચા કર કરી મથે છે પ્રિયતમા.

છુપી, છાનો દોડી, કટી વતી પ્રિયા તો ગ્રહી, અને
'બજાવી લે, પ્યારી!' કહી મુજ રસીલી ઊંચકી મ્હેં;
ગઈ બાઝી વ્હાલા શરમભર છાતી સરસી તે,
અને ચુમ્બી લેતાં મુજ હૃદયમાં હર્ષ ઉભરે.

અરે ! આવાં સ્વપ્નો વિરહી દિલ મ્હારૂં રીઝવતાં,
હવે ના આવે એ મુજ હૃદયમાં સૌ બળી ગયાં;
ગયાં વર્ષો વીતી, મુખ મુજ પ્રિયાનું ભૂલી ગયો !
સખા ! મીઠા ચ્‍હેરા દિલથી સરી ચાલ્યા સહુ, અહો !

તમે, મિત્રો વ્હાલા ! પથરવત વા વજ્ર સરખું,
કહેશો આ હૈયું કઠિન અથવા ના રસભર્યું;
અરે ! આ વાક્યો શું શિથિલ પ્રીતિની સ્થિતિ સૂચવે ?
કવિતા મ્હારી શું હદયજડતા સાબિત કરે !


કલાપીનો કેકારવ/૪૪૨