પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અવધૂત હું તેને બખીલી એક પારામાં નહીં !
લાખો કહે, લાખો દઉં ! પણ મંત્ર વિણ તું શું કરે ?

આ ખાકના પારા પરે કો ઇલ્મ સાધી જાણતું !
તે હસ્તથી આ લૂંટ આવી તું કરીને શું કરે ?

આ ખાકને ખાખી સહે યારી હતી જૂની કંઈ !
તું તો નકામી ખાકથી મેલી બનીને શું કરે ?

આ ખાક રોતી એટલું ! ખાખી રડે તે એ જ છે !
બાજીગરે બાજી મગર એવી રચી ! તું શું કરે ?

રાખું સબૂરી ! રાખજે તું એ સબૂરી ઓ સનમ !
ત્‍હોયે રહે ના આંસુડાં ! કોની સબૂરી શું કરે ?

૩૧-૭-૧૮૯૭

પરવાર્યો

દુઃખી દિલદર્દને ગાતાં, જિગરની આહમાં લ્હાતાં,
ફના ઇશ્કે સદા થાતાં હવે હું આજ પરવાર્યો !

ન લૂછું એક આંસુ વા કહું હું લૂછવાનું ના !
હવે છો ધોધ ચાલે આ ! રડી રોતાં હું પરવાર્યો !

હવે આ આંખમાં ના છે કંઈ દાવો, કંઈ ફરિયાદ,
ગમીના જામ એ પાતાં અને પીતાં ય પરવાર્યો !

હવે આ ઝેરનું પ્યાલું છુપાવી શીદ પી જાવું ?
તું જો કે રો ! ગમે તે હો ! તમાથી છેક પરવાર્યો !

હતો મારો ચલાવ્યો ત્‍હેં જિગરને મારતાં હસતાં !
મરે ખોખું તહીં રો તો રહમથી હું ય પરવાર્યો !

હું પરવાર્યો ! ન છે પરવા ! સુખે તે ને સુખે તું જા !
ખુદાની બન્દગી કરજે ! હું તો એથીય પરવાર્યો !

હતું તેને સદા રોવું ! નવું તો કૈં ન છે દેવું !
જતાં જૂનું નવું રોશે ! પછી તેથી ય પરવાર્યો !

હતું હૂલાવવું ખંજર દિલે એ હાથ મ્હારાથી !
કરી ઉમેદ એ ત્‍હારી હવે પૂરી હું પરવાર્યો !


કલાપીનો કેકારવ/૪૪૪