પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખારાં આંસુમાં ચાલ્યું જવું !
એ સૌ કોણ ભોગવશે પછી ?

નટવો ચડે દોરી પરે,
ચૂકી આંખ તો નક્કી મરે,
મળે મોજ કે ના યે મળે;
એવો દોર આશા આ, સખિ !

પ્‍હેલાં તો મરીને દાઝવું !
ઉન્હી ખાક થઈને ઊડવું !
કાંઈ તે પછી મીઠું ઠર્યું !
તેમાં તું કહે શું ? બોલની !

ત્‍હારાં ભ્રૂ અને તુજ આંખ આ,
ત્‍હારૂં અંગસૌષ્ઠવ આજ આ,
ત્‍હારૂં સર્વ આનું આજ આ,
તેમાં આ જિગરની પ્રીતડી !

બાળ્યા પછી એ કોણ દે ?
વ્હાલાં તો રડી ભૂલી જશે !

ભૂતો આપણાં રોતાં હશે !
એની અન્યને તે શી પડી ?

વર્ષા બધીય વહી જશે,
ત્યારે શું પછી જલદોદયે ?
ના ના માવઠે જગ જીવશે !
તે એ કોણ જાણે ક્યાં વળી !

૧૨-૮-૧૮૯૭

નિમન્ત્રણનું ઉત્તર

મળેલાં પત્રોથી મુજ નયન આસું ટપકતાં,
ન હું આવું તો શું સુખી નવ થશો ? ઓ પ્રિય સખા !
મૃદુ પ્રેમી આજ્ઞા કમનસીબ પાળી નવ શકે,
અરે ! કૈં રોવાનું મુજ જિગરનું તે ધરીશ હું !


કલાપીનો કેકારવ/૪૪૭