પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અહો ! જ્યોત્સના જોવા મુજ નયન આ ઉત્સુક હજી,
સુધાંશુની ધારા પ્રિય વદન શી ને રુચી રહી;
છતાં હું ના જોઉં રજની ધવલા એ રમણી શી,
સખાઓ ! ભીતિ કૈં મુજ હૃદયમાં છે ખટકતી.

સુધાંશુની લાલી મુજ નઝરથી પીત બનતી,
અમીની થાળી એ નયન પડતાં ક્ષીણ દિસતી;
શશીથી આ દૃષ્ટિ પરિચય વધુ જો કદી કરે,
નહીં ત્યાંથી એ તો જગ પર પછી અમૃત ઢળે.

દુઃખી મ્હારી દૃષ્ટિ દુઃખકર બધે છે થઈ પડી,
દિવાલો એ રોતી પ્રતિ કણથી મ્હારા ગૃહ તણી;
લતા, વૃક્ષો, પક્ષી, જલધિ, ઝરણું વા રુચિર કૈં,
તહીં આ દૃષ્ટિને ઘટિત નવ હાવાં સરકવું.

વિસામો દેનારા જગ પર જનોને બહુ નહીં,
અરે ! એવું સ્વલ્પે મુજ નયન લૂટે ક્યમ ભલા ?
સુખો દેનારાંથી સુખ ન હીનભાગી લઈ શકે !
સુખો દેનારાંને દુઃખ દઈ કંઈને દહી શકે !

સખાઓ ! વ્હાલાઓ ! તમ ગૃહ સદા જે હસમુખાં,
ઘવાયેલાં લાખો અતિથિઉરને જે મલમ શાં,
હવે હું ત્યાં આવો પગ પણ ધરૂં તે ઉચિત ના,
હવે નિર્માયા મુજ પદ સદા રાન ફરવા.

તમારા બાગોમાં નહિ નહિ કરૂં હું રુદન તો,
છતાં નિઃશ્વાસો તો નહિ જ અટકાવ્યા અટકશે;
જળી જાશે પુષ્પો, તરુ સહુ નિસાસામય થશે,
પછી એ રોનારા અતિથિ સઘળા ક્યાં વિરમશે ?

નિસાસો ના કોઈ મુજ હૃદય પૂરું ભરી શકે,
કમી કો નિઃશ્વાસે મુજ દુઃખ હવે ના થઈ શકે;
ફુલોને નિઃશ્વાસો દઈ સુખી થનારા અતિથિઓ
ભલે એ કુંજોમાં વિમલ ઝરણે હંસ બનતા.

નિમન્ત્રો ના ! વ્હાલા ! અતિથિ નવ હાવાં થઈ શકું,
નિમન્ત્રો ના ! વ્હાલા ! અતિથિ નવ હાવાં કરી શકું;


કલાપીનો કેકારવ/૪૪૮