પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમારાં હાસ્યોનાં મધુર નવ લ્હાણાં લઈ શકું.
ન મ્હારાં હૈયાનાં રુદનમય લ્હાણાં દઈ શકું.

તમારા બાગોમાં મધુપ ફરતા હો પ્રતિ ફુલે,
તમારા વીણામાં મધુર સ્વર હો સૌ ગહકતા;
તમારા મહેલોની ઉપર કરુણા હો પ્રભુ તણી,
સુખી દૂરે એ છો, સમજી સુખી હું એ થઈશ હો !

૧૮-૮-૯૭

બાલક

જે છે હજુ રુધિર સ્વર્ગથી કાલ આવ્યું,
જે બાલ છે રમતમાં હજુ એ જ રક્તે,
જેનાં સુખો પણ હજુ ફૂટતાં દિસે છે,
ત કેમ યૌવન તણા સમજે દુઃખોને ?!

પૂછે છે મ્હને, 'ક્યારે મ્હોટો, તાત ! થઈશ હું ?'
ઉત્તરે સાંભળે ના ત્યાં મચે છે ફરી ખેલવું !

રમત કો રમવી નવ જ્યાં રુચે,
અણગમ્યા ઉર કંટક જ્યાં ખુંચે.
હૃદયદાહ જળ્યા જ જળ્યા કરે,
સફર ત્યાં પણ કરવી ગમે ?

ગયું ને આવવાનું ત્યાં કલ્પના મૃદુતા ધરે,
કલ્પનાહીનતા સર્વે વર્તમાન સૂકા કરે.

પણ મધુર આ વેળા ત્હારી ગઈ ન ફરી વળે,
સુખભર રૂડી આ વેળાની સ્મૃતિ ય નહીં મળે;
સ્મરણનયને ચારે પાસે અહીં દવ ભાસતો,
જીવન જીવતાં આવું ખારૂં હવે જીવ ત્રાસતો.

ઇચ્છે છે તે નકી, બાપુ ! આવી કાલ ઉભું થશે,
ઇચ્છા જ્યાં પૂર્ણ થાશે ત્યાં અતૃપ્તિ જ વધી જશે.

ન ઇચ્છવું આ મુજ અર્થનું કશું,
છતાં ય આ છે ઉર આશિષે ભર્યું:


કલાપીનો કેકારવ/૪૪૯