પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'સદા રહે બાલક બાલખેલમાં !
'સદા વહે એક જ હર્ષરેલમાં !'

દડાથી અંગુલી ત્હારી કેવી આજ રમી રહે !
પછી એ ધારતાં મુદ્રા હૈયા સાથ જડી હશે !

વા આ હશે સૌ મુજ કલ્પના શું ?
તુંને ય દર્દો તુજ કૈં હશે શું ?
રે ! બાલ, વૃદ્ધો અથવા યુવાનો
છે સૌ પડ્યાં એક જ છાયમાં શું ?

સ્મૃતિ ના પ્હોંચતી ત્યાં ત્યાં આનન્દી ઉદધિ દિસે !
પરન્તુ ઝાંઝવા જેવા શું એ સાગર સર્વ છે ?

૨૦-૯-૧૮૯૭

છેલ્લી જફા

જફાથી ક્યાં સુધી આખર જિગર આ ન્હાસશે દૂરે ?
જફા કાજે જિગર છે આ ! જિગર કાજે જફા છે એ !

જફા આ એકમાં જાતાં જફા લાખો ઉડી જાશે !
મગર કો બેજફા બિલકુલ જહાંમાં ના થયું થાશે !

મુસાફર ઝિન્દગાનીનો જફાના નાવમાં ચાલે !
પ્રતિ પગ સાહસે ભરવો, રદી વ્હે યા ભલે મ્હાલે !

જફા છેલ્લી, જવું ડૂબી ! મગર દરિયાવ ખારો છે !
થવાને બેજફા કિન્તુ મ્હને એ દાવ પ્યારો છે !

જફા દુનિયા ! જફા પ્રીતિ ! જફા આ મોતનું પ્યાલું !
જફાની તો જફાના કાં હવે ના પન્થમાં ચાલુ !

જફા ન્હાની તણાં ઝુંડો સહેતાં શી બડાઈ છે ?
મગર આ મોતની છેલ્લી જફા તો કો હવાઈ છે !

લઈ સમશેર ઊભું ? યા દ‌ઉં સમશેર સીનામાં ?
સમારૂં નાવ તૂટેલું ? અરે ! તેને ડુબાવું યા ?

સમારૂં તો નથી સાંધો ! નથી દરિયાવનો આરો !
ડૂબી જાતાં તળું છે ક્યાં ? કહીં મીઠાશનો ક્યારો ?


કલાપીનો કેકારવ/૪૫૦