પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરંતુ આવું એ અતિથિ સુણતાં કૈં કમકમે.
કપોલે ને ભાલે અરુણમયતા કો રમી રહે.

ઉષાની લાલી શા ચપલ મૃદુ ને રંગ નવલા
ધરે એ ચ્હેરાની ઉપર ચટકીદાર બુરકો;
ઢળેલાં નેત્રો છે અધર અધમીચ્યાં જલભર્યાં.
અને એ ખૂણામાં પલપલ ચડે રક્ત ફરતું.

જરા નીચી ભીરુ શરમભર દૃષ્ટિ નયનની,
નીચે ઊંચે ધ્રૂજી દરદમય છાતી ઉપડતી,
બતાવી દે ખુલ્લી અતિથિઉરની એ સ્થિતિ, અને
કહી દે કન્યાનું મનહર મૃદુ મંજુલપણું.

અને બાલા બોલે, 'જરૂર અપરાધી પથિક આ,
'પ્રભુ ને તું આંહીં નિશદિન સદા વાસ કરતાં,
'તહીં સ્ત્રીનાં આવાં મલિન પગલાં આમ ધરતા,
'અરે ! ત્હારા આવા અપટુ અતિથિને કર ક્ષમા.

'અરે આ કન્યા જે ભટકવું શીખી છે પ્રણયથી,
'ભલા સાધુ ! તેની ઉપર કરુણાનાં દૃગ ઘટે;
'સદા જે શોધે છે રખડી ફરતાં શાન્તિ ઉરની,
'નિરાશાનો જેને પણ નિજ પથે સોબતી મળે.

'દૂરે ગંગાતીરે મુજ પ્રિય હતા તાત વસતા,
'પ્રજામાં તેને હું કમનસીબ આ એક જ હતી;
'મ્હને એ મ્હેલ્લામાં મધુર ગણતાં સૌ રમકડું,
'અરે ! બાલ્યાવસ્થા મધુર પણ થોડા દિવસની.

'પછી આકર્ષીને નિજ કર મહીં તાતકરથી,
'મ્હને લેવા કૈં એ મુજ સહ યુવાનો ફરી રહ્યા;
'હતા શ્લાઘાના કૈં સહુ દિશ ઉગેલા ચમન, ને
'સુગન્ધી પુષ્પો એ તહીં કંઈ હતાં મ્હેક ધરતાં.

'હતા આ નેત્રોને શશીરવિ સહે કોઈ કથતા,
'હતા મૂર્ચ્છાના એ કંઈક વળી વેષો ભજવતા;
'બતાવી જાતા કો પ્રણયચિનગી કૃત્રિમ, અને
'હશે ક્યાં ક્યાં થોડો રસ પણ રસીલો ટપકતો.


કલાપીનો કેકારવ/૪૫૭