પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગમે તે બેહયાઈ ને દઈ માથું ધરી ખોળે;
હમે આરામમાં ક્યાંયે સુખેથી ઊંઘનારાઓ !

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈ એ ડરતાં;
હમે જાણ્યું, હમે માણ્યું, ફિકરને ફેંકનારાઓ !

જખમથી જે ડરી ર્'હેતાં વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો ખૂબી ત્યાં મનનારાઓ !

બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા;
મગર મુરશિદ કરો તો તો હમે ચેલા થનારાઓ !

અમારાં આંસુથી આંસુ મિલાવો, આપશું ચાવી;
પછી ખંજર ભલે દેતાં : નહીં ગણકારનાઓ !

૧૪-૧૧-૧૮૯૭

કોણ પરવાર્યું

અહીં દરવિશ બધા બુઝરગ ખુદાના ઇશ્કખાનામાં
મગર એવી સફેદીથી જુવાની કોણ પરવાર્યું ?

અહીં બદલી બધું જાતું : જિગરનાં ચશ્મ ને ચશ્માં !
મગર છે વસ્લ એ, રે રે ! સનમથી કોણ પરવાર્યું ?

અહીં માશૂક ના દેતી, કદી દે તે નહીં પૂરું !
મગર એ ભીખ માગીને ભીખારી કોણ પરવાર્યું ?

અહીંના આશકો સુરમે કરે છે ગાલને કાળા !
મગર માશૂકની સુરખી રડીને કોણ પરવાર્યું ?

અહીં પ્રત્યેક દાણા પર છુપ્યાં ખાનારનાં નામો !
મગર પરવા પરાઈથી, અરેરે ! કોણ પરવાર્યું ?

અહીં હરગિઝ છે દર્દે પરેશાની પરેશાની !
અગર દર્દી જિગર દર્દે લઈ દમ કોણ પરવાર્યું ?

અહીં ખ્વાબો મળે રાતે: બધાં અન્ધારમાં જાતાં !
મગર અફસોસ દી આખો કરીને કોણ પરવાર્યું ?


કલાપીનો કેકારવ/૪૬૧