પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જોશે ભાગ્ય ગણી ઊભો અધર જે જુદો રહ્યો ઓષ્ઠથી,
જેણે કો’ દિન શબ્દ મિષ્ટ ઉચરી શાંતિ પમાડી નહીં;
માયાળુ નહિ ત્હોય ક્રૂર દિસતી નિદ્રસ્થ પ્યારી નહીં,
એવા દર્શનને વિલોકી બનશે પ્રેમાર્દ્ર હૈયું સુખી!

વ્હાલી પૂર્ણ સદોષ છે, જખમ આ કારી કર્યો કાળજે,
ત્હોયે તે મમ ગીતની અસરથી નિશ્ચિન્ત સૂતી રહે!
મ્હારૂં વજ્ર સમું કઠિન દિલ આ ચીરાય ઘાથી નહીં,
હું તો ના નહિ તો રડું ટળવળું જ્યારે સુખે એ સૂતી !

સંયોગી તુજ ના બન્યો, વિરહમાં જીવું બની ભસ્મ હું,
પ્યારી ! શું દુ:ખદાહ, શું જીવિત છે પ્યારૂં મને એવડું?
એવું શું બનશે, પ્રિયે ! જગતમાં ત્હારા વિના હું જીવું?
ત્હારી ખાક લગાવી અંગ પર શું બાવો બની હું ફરૂં?

ત્હારાથી મુજ આ દ્વિધા નહિ બને હૈયું, પ્રિયે ! મૃત્યુથી,
મ્હારી તું નવ લેશ ઓછી બનશે એ કાલરાત્રિ થકી,
તું જાતાં નહિ હું રહું, જીવિતનો લોભી નથી હું નકી,
તું સ્વર્ગે કર વાસ, એ સમજજે આ દાસ ઊભો તહીં!

ત્હારાં કોમલ ગીતડાં મધુરવાં હું સાંભળી એકલો–
ઘેલો મસ્ત બનીશ સ્વર્ગભૂમિમાં કો’ બાલ ન્હાના સમો;
કેવી સુન્દર લ્હેરીઓ અનિલની, ત્હારા રૂડા બાલની–
સેરો રેશમના સમી, નિજ કરે સ્પર્શી હશે ચાલતી !

કેવી મોહક વાટિકા, વનઘટા, પુષ્પો પરાગે ભર્યાં !
કેવા રંગીન ત્યાં હશે મધુકરો સંધ્યા સમે ગુંજતા !
ત્હારી શાલ સુવર્ણરંગી ચળકે સાડી ઝીણી ઉપરે;
તેમાંથી તુજ દિવ્ય સૌ અવયવો દેખાઈ આછા રહે !

ત્યાંયે નાજુક વૃક્ષની વનઘટા માંહી છૂપેલો રહી,
ત્હારા સૌ સુખના વિચાર રસીલા કલ્પી બનું હું સુખી,
હા ! અદૃશ્ય સદા રહી તુજ કને જ્યાં તું ભમે ત્યાં ભમું,
જેથી હું નવ કલાન્ત એક પલકે ત્હારાથી જુદો રહું !

તું ચૂંટે મધુપુષ્પ કોમલ કરે તે ના ગ્રહું હું કદી,
વા ના દાબીશ સ્નિગ્ધ તે અધર હું લોભાઈ પિયુષથી;

કલાપીનો કેકારવ/૯૪