પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રેમથી તું શું ડરે ?

ચોગાનમાં આલમ તણા રે ! પ્રેમથી તું શું ડરે ?
ત્હારા ચમનનાં પુષ્પના કાંટા થકી તું શું ડરે ?

લઈ લે મૃદુ આમોદ તો, તુંને ઉઝરડો છો થતો :
ભોંકાય તો ભોંકાય છો, એ મામલાથી શું ડરે ?

ત્હારાં હૃદય‌આત્મા તણાં વારિ અહીં ઊંડાં ભર્યાં;
પ્રભુ પ્રેરતાં ઉછળ્યાં કર્યાં, એના ઝોશથી તું શું ડરે ?

બસ છોડ તુજ પ્હાડી ઝરો, છો એ પ્રલયમાં ઉછળો;
છો કો સુરૂપે આફળો, છો તૂટતો ! તું શું ડરે ?

બદલો મળે કે ના મળે, શુક એક પાંખે શે પળે !
એ તર્ક શા જૂઠા કરે, ઉડી જો ઉડી ! તું શું ડરે ?

પાષાણના પદ ચુમ્બતો જો કેમ સિન્ધુ કૂદતો,
જ્યાં સખ્ત ઉભી ભેખડો, તો તું, અરેરે ! શું ડરે ?

તે ઊર્મિઓ પાછા પડે, મગરૂર ગિરિ તે ના ગણે:
ત્હોયે સલિલ ભેટ્યા કરે જે પ્રેમનું તે શું ડરે ?

જો ઘાસ ઝરણાં પાસનું જે પ્રેમ પી નીલું બન્યું,
તુજ પદ કને જે છે ઢળ્યું તે ના ડરે ! તું શું ડરે ?

એ ના પુકારે કોઈએ, "અમ અંગ કચરાઈ મરે !
'અમ યત્ન સૌ ધૂળે મળે'! તો ઉઠ, ઉઠ તું શું ડરે ?

આ શુષ્ક લૂખી આલમે અપકારીઓના રાહને
થઈ ઘાસ કર રસભર, અને એવું થતાં તું શું ડરે ?

તુજ અંગતરણાં સૂકશે, ચારોય ના તેનો થશે;
તો શું પડ્યો છે દ્‌હેશતે ? ઉભી ચારુતા ત્યાં શું ડરે ?

જો ક્ષીરસાગરના સમું પ્રભુએ હૃદય નિજ પાથર્યું :
એ બિન્દુ ના કોને મળ્યું ? તે પામતાં તું શું ડરે ?

એની કૃપાનાં પુષ્પ એ રગદોળાનારા પાદને
નિજ ગન્ધનો જે લેપ દે તે લેપ થાતાં શું ડરે ?

જો આંખ મીંચી ચાલશે તો ઇષ્ટ સાથે મ્હાલશે,
મીઠી પ્રીતડી મીઠી થશે, દિલ જાય ત્યાં તું શું ડરે ?

૧૯-૧૨-૯૭


કલાપીનો કેકારવ/૪૬૫