પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાવના અને વિશ્વ

ઉર ઠલવવા શોધી કાઢ્યાં સખા, લલના, અને
ઉર ઠલવવા શોધ્યાં પુષ્પો ઝરા, તરુઓ વને;
ઉર ઠલવવા પાળ્યાં પંખી, સુણ્યાં મૃદુ ગાયનો,
ઉર ઠલવવું એ તો ક્યાંયે બન્યું જ નહીં, અહો !

અહીં તહીં બધી લીલા લૂખી જહીં નવ એ બન્યું,
જગત સઘળું નીલું ના ના વસન્ત મહીં ગમ્યું;
રમણીયપણું આ સંસારે અતૃપ્ત બધું દિસે,
જગત ઉપરે સ્વપ્ને કોઈ ઠર્યું ન ખરૂં દિસે.

કમલકલીએ ભોગી ભૃંગો લપી શમણે ઢળ્યા,
કમલદલના મીઠાં સ્વપ્ને અનેક રમી રહ્યા;
કમલવનમાં ઉગ્યે ભાનુ ફરી ફરતા બન્યા,
પણ ગણગણી રોવાથી ત્યાં અધિક નથી ઠર્યા.

રવિ નવ ઉગે દ્‍હાડે જે ત્યાં હતો રજની મહીં,
ઝરણ ધરતાં લાલી સ્વપ્ને ધરે નવ તે અહીં;
હૃદય ઠલવ્યું ઝીલી લેવા હતો કર કોઈ ત્યાં,
નયન ઉઘડ્યું, ખોવાયો એ ભળી જઈ વ્યોમમાં.

જગત સઘળું ઘૂમી શોધ્યું, ફરી ન કદી મળે !
મધુર કર એ વિશ્વે પાછો ફરી ન કદી ઢળે !
નયન ઉઘડ્યું, ને બેતાલું બસૂર બધું બન્યું !
નયન ઉઘડ્યું, વંઠ્યું મીઠું રહ્યું કટુ આંસુડું !

નયન નિરખી રોવા લાગે અહીં સહુ સ્થૂલતા,
રમત રમતાં લાવણ્યે એ સુસૌષ્ઠવહીનતા;
અમર રસનાં બીબાં આવાં બધાં વરવાં, અરે !
ઝળહળ થતું તેની છાપો મલિન અહીં પડે !

અધર લલના મીઠો મીઠો ધરે અધર ભલે,
કુમકુમ ભરી હાથેલીથી જડે ઉરથી ભલે;
સ્તનતટ પરે રોમાંચોનાં ભલે વન ઊગતાં,
પરિશ્રમભર્યા સ્વેદે છિદ્રો ભલે સહુ ઉઘડ્યાં.


કલાપીનો કેકારવ/૪૬૬