પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અરે ! અરેરે ! મુજ પાસ કાંઈ
     કિન્તુ હતું ના તુજ દાહ માટે.

     ત્‍હેં તો અરે ! વારિ જ વારિ યાચ્યું,
     સુધા હતું મ્હેં તુજ કાજ શોધ્યું !
     સુધા ઢળ્યું વારિ મળ્યું ન તુંને,
     તું પોલ રૂનો થઇ ભસ્મ રે રે !

      સુધા ઢળ્યું તે કર કોઈનાથી,
      એ હસ્ત કો પામર માનવીનો;
      'હોજો હરિ તું પર, બાપુ ! રાજી.'
      એથી બીજું પામરને જહું શું ?

      એ હસ્તની વાત હવે કરૂં ના,
      એ ક્રૂરતાને પણ વિસરૂં ના;
      ભૂલું, ન ભૂલું, થઈ તો ગયું એ,
      ફીટી પડ્યા સુન્દર સૌ બગીચા !

   હવે નવું કૈં દિલ માનતું થયું,
   વિચારતાં શું ય છતાં થઈ જતું !
   અરે ! અરે ! ક્રૂર વધુ બનું રખે !
   ત્હને હજુ દાહ વધુ દ‌ઉં રખે !

   હતી ન એ સૌ પણ માત્ર કલ્પના,
   સદાય જોઈ તુજ ઉર હું શક્યો;
   સદૈવ સાક્ષી મન પૂરતું મ્હને,
   હજુય શ્રદ્ધા મુજને તહીં રહે.

ધિક્કારન્તી મધુર લલના ! આજ છે શું મ્હને તું ?
ઓહો ! એથી ઘટિત અધિકું હોય શું વિશ્વમાં આ ?
ધિક્કારોને પ્રણયથી વધુ યોગ્ય હૈયું નકી આ,
ધિક્કારે તું ! નહિ નહિ કશું ન્યાયથી એ વિશેષ.

ધિક્કારે તું ! પ્રણયરસમાં ન્યાયની વાત કેવી ?
ધિક્કારે તું ઉચિત સહુ એ પ્રેમને એ નહીં કાં ?
થાકી થાકી પ્રણય કટુથી શાન્ત કાંઈક થાવા
ધિક્કારોમાં તુજ જિગરને યોગ્ય આરામ લેવો.


કલાપીનો કેકારવ/૪૭૧