પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ ધિક્કારો તુજ હૃદયનાં દર્દ કેવાં પવિત્ર ?
એ ધિક્કારો મુજ હૃદયની ક્રૂરતાનું જ ગાન !
એ મ્હોં ! એ મ્હોં ! મધુર કુમળું આજ કેવું ફરેલું !
ઓહો ! એવો હૃદયપલટો દર્દ લાખો પુકારે !

ઓહો ! એવો હૃદયપલટો સ્‍હેલ ના વાત કાંઈ,
ઘીમે ધીમે મૃદુ કુસુમ જ્યાં વજ્રનું વજ્ર થાતું;
ધીમે ધીમે નયન કુમળાં આગ રોવા શીખે જ્યાં;
ધીમે ધીમે અસુર બનવું દેવને જ્યાં ગમે છે !

આ હૈયાને અનુભવ નહીં પ્રેમમાં એ નશાનો,
એ સીમાની ઉપર ઉર આ કોઇ કાલે ન પ્‍હોંચ્યું;
વ્હાલી ! વ્હાલી ! તુજ દરદને કલ્પવા હું અશક્ત,
તું છે ત્યાં ત્યાં આ ઉર ફડફડી પ્‍હોંચવાને અશક્ત.

ત્‍હારા જેવી મુજ હૃદયની ઉગ્ર પ્રીતિ હશે ના,
ત્‍હારા જેવું સહન કરવું તીવ્ર પામ્યો ન હું વા,
ત્‍હારા જેવું જિગર કુમળું ન્હોય મ્હારૂં, નહીં તો
ધિક્કારોમાં મુજ હૃદયને ડૂબવ્યું હોત મેં એ !

ઓહો ! કેવું મધુ સુખ હશે પ્રેમ ધિક્કાર થાતાં !
ઓહો કેવું મધુ સુખ હશે ત્યાગતાં સર્વ આશા !
પ્રીતિ અન્તે મરણ અથવા ક્રૂરતા કે નિરાશા;
એથી બીજી જગત ઉપરે હોય તે લ્હાણ કેવી!

એ ધિક્કારે તુજ હૃદયને લેઇ જાનાર પ્રાણી,
એ છૂરીને ગરદન ધરી શીર્ષ સોંપી દઉં હુઃ
જાણું છું હું પણ નકી નકી કાલ એ આવતાં તો
એ છૂરી, એ હૃદય, કર એ ચાલ્શે નીર થાતાં!

               કતલ જે કરવા કર ઉપડ્યો,
               કુસુમ તે લઇને જ સદા ઢળ્યો !
               જગતમાં પ્રણયી પ્રણયી સદા,
              પ્રણયમાં ટકતી નવ ક્રૂરતા.

૧-૧-૯૮


કલાપીનો કેકારવ/૪૭૨