પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રભુહૃદયનાં પ્યારાં તેથી દુઃખી દુખિયાં રહે,
પછી દરદનાં ક્યાંથી આંહીં નિવારણ સાંપડે ?

પણ દરદની વાતોમાં છે નિવારણથી વધુ,
દરદમયને દર્દી થાતાં ઘટે કંઈ આવડ્યું;
કમનસીબને દર્દો એ ના અહીં મળતાં નકી,
કમનસીબથી દર્દોની તો ન ગોઠડી એ થતી.

જગત સહ તો ત્હારે મ્હારે ઘણા પડદા હશે,
પણ નવ બધું અર્પું શાને સજાતીયતા વિષે ?
જગત સહ એ આ હૈયે તો બધા પડદા કઠે,
પણ જગતને સુણી લેવા મળ્યું નવ ભાન છે.

કહીશ સઘળૂં વ્હાલા ! તુંને, ભલે રડતાં કહું :
કહીશ સઘળું, વ્હાલા ! તુંને, બધું મરતાં ય હું :
મુજ જ્વિત તો ત્હારી હૂંફે અહીં જીવવા સમું,
તુજ ચરણમાં ના તો ક્યાં હું પછી જઈને નમું.

૧૨-૨-૯૮

પ્યાલાને છેલ્લી સલામ

ખુદાનું નૂર પાનારા ! સલામો છે ત્હને, પ્યાલા !
ન રો છોડી મ્હને જાતાં મજા જ્યાં હોય ત્યાં જા, જા !

સદા સાકી તણે હાથે ભરેલો - તર ભર્યો રહેજે !
પડેલા આશકો ફિક્કા: જરા લાલી તહીં દેજે !

પ્રથમ દર્દી જિગર પાસે જઈ દે દર્દ ભૂલાવી !
ઘડી બેભાનની દેવી - ખુદાઈ ત્યાં જ છે ત્હારી !

પછી બાગો મહીં જાજે જહીં માશૂક હો આશક !
જિગરને બોલતી આંખે નવાઈ બોલજે બેશક !

હમારૂં કોઈ પૂછે તો કહેજે આટલું, પ્યારા:
'અરે ! એને ભરી પીતાં સબૂરી ના રહી, પ્યારા !'

વળી ત્હારી મજેદારી હસીને બોલજે આવું:
'ભરી દરિયા ય ન્હાતાં એ જિગરના ના ના નશે આવ્યું !'


કલાપીનો કેકારવ/૪૭૭