પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હમારી સ્થિતિ - હમારું કિસ્મત

હમારે તો ચમનમાંથી ગુલોના ખાર છે આવ્યા !
હમારે તો જહાંમાંથી બધે જલ્લાદ છે આવ્યા !

નથી પીનારને કોને હમારૂં ખૂન આ ભાવ્યું !
ઝુકેલી ડોક પર ખંજર ન દેવું કોણને ફાવ્યું ?

હમારૂં ખૂન દિલબરને શીશી શરબત તણી ઠેરી !
હમોને તેગ એની એ દવાઓ દર્દની ઠેરી !

અરે ! જે અન્યની આંખે ડરે છે આંજતાં સુરમો -
હમારી આંખનો તે તો કરીને આંજતી સુરમો !

હમે જેને અમી માન્યું, હમોથી દૂર એ ચાલ્યું !
જિગરથી ઝેરનું પ્યાલું તસુ એ દૂર ના ચાલ્યું !

હમોને આ જહાંઓનો બતાવ્યો માશૂકે રસ્તો !
સનમ જેવી જહાં તેવી, બધે એ એક છે રસ્તો !

નકી એ એ જ ખંજરથી હમોને કોઈ દી ખોશે !
પછી તો રોઈ અક્કલ બધી પોતાની એ ખોશે !

કબરમાં જ્યાં હમે જાશું ફૂલો ત્યાં આવશે દેવા !
મગર આ ઝિન્દગીમાં તો બની ભાલા સદા દેવા !

અરેરે ! આશકોની તો વધારે મોત છે કિસ્મત !
સનમને જીવનારાની નહીં કોડી તણી કિમ્મત !

શરાબો પી હમોએ સુખોમાં ભાન ના રાખ્યું !
સુખોનું દૂરનું નામે હવે તો છે દિલે રાખ્યું !

નહીં જે આપતા તેને હવે આ માગવું આવ્યું !
બૂરું એ માગવું આવ્યું, અગર આ માગ્યે ન કૈં આવ્યું !

મળેલું માગતાં જેને નકી તે માગતાં આપે !
ખુદાએ ના ત્હને આપ્યું ! પછી તું શું મ્હને આપે ?

ભિખારી સૌ ભિખારીથી જહાંમાં ભીખ માગે છે !
હમારૂં કિસ્મતે કાંઈ સદા એવું જ માગે છે !

૨૨-૪-૯૮


કલાપીનો કેકારવ/૪૭૯