પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પીડા તો પીડા એ મ્હારી !
કાંઈ નથી તેથી તો સારી !
વીતી છે વીતી છે એ તો
                    મીઠી લાચારી !

હાવાં આંસુ એ ના ઉન્હાં !
રોવાનાં ગીતો એ સૂનાં !
ઉષ્મા જીવનની વીતી છે !
              મોત તણી ઠંડી જીતી છે !

હૈયે શ્વાસો ત્હોયે ફરે આ !
કંઠ મહીં નિશ્વાસ તરે આ
વ્હાલાં ! કાષ્ટ બળ્યું આ જીવે !
           શું વીતી ? શું ના વીતી છે ?

૧-૫-૯૮


જીવનહાનિ ચોવીશ વર્ષ

ફૂટી ગયેલ ઘટની ઘટમાળ જેવાં,
મારા ફર્યાં વરસ : જીવનબાગ સૂક્યો !
એકેય બિન્દુ નવ ચોવીસ ચક્રમાંથી:
વા કોઈ એ ન ઘટમાળ સમારનારું !

સેવા બજી ન પ્રભૂની કશી કોઈ દી એ,
બાકી રહી સહુય ચેતનહીન આશા !
તેમાં પરંતુ ઉરને ફરિયાદ ના કૈં ,
જાયે ગુલાબ કહીં કંટકને રડીને ?

મારું સદાય સહવું સહુ છે સહ્યું મ્હેં,
માળી તણો કર સુખે જ્યમ પુષ્પ સ્હેતાં;
મ્હારી ગરીબ કવિતા બસ કાંઈ રોતી,
તેવી પ્રભુ પણ ક્ષમા સહનારને દે !

હું વિશ્વનો નહિ જ કૈં ઉપયોગ જાણું,
કો ખેદમાં ગતિ તણું ઉર મૌન ધારે;
મ્હારો હિસાબ વિધિ પાસ કશો ન લાંબો,
જીવ્યો, મરીશ : જ્યમ તારક ત્યાં ખરે છે.


કલાપીનો કેકારવ/૪૮૫